વિકાસ મુરઝાયો:કડીમાં કરોડોના ખર્ચે બનાવેલું ભીમનાથ તળાવ બદતર હાલતમાં, ગટરનું પાણી તળાવમાં ઠાલવવામાં આવ્યું

મહેસાણા11 દિવસ પહેલા
કરોડો ના ખર્ચે બનાવેલા તળાવમાં ગટરના પાણી ઠાલવાય છે
  • બોટિંગની સુવિધા ઉભી કરાઇ હતી તે પણ બંધ હાલતમાં
  • તળાવ પાસે બનાવવામાં આવેલા ગાર્ડનમાં પણ ઠેર-ઠેર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો

મહેસાણા જિલ્લો હાલમાં વિકાસની હરોળમાં ચાલી રહ્યો છે. જિલ્લામાં એવા ઘણા સ્થળો છે જ્યાં સરકારે કરોડો રૂપિયા ખર્ચી વિકાસના કામો કર્યા છે પરંતુ તેની વાસ્તવિકતા કઈક અલગ જ જોવા મળી રહી છે. કડી શહેરમાં આવેલા ભીમનાથ તળાવને સુંદર બનાવવા સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. જોકે, તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા આ તળાવ માત્ર બે જ વર્ષમાં ગટરના પાણીમાં ફેરવાયું છે. જ્યાં શહેરના લોકો ડોકિયું પણ કરવા માંગતા નથી.

કડીમાં આવેલા ભીમનાથ તળાવમાં અગાઉ પણ ગટરના પાણી છોડવામાં આવતા હતા. જોકે, સરકારે તેને સુંદર બનાવવા અને શહેરીજનો આ તળાવનો લાભ લઈ શકે તે હેતુથી આ તળાવને અમદાવાના કાંકરિયા તળાવ જેવું બનાવવા 1 કરોડના ખર્ચ કર્યો હતો. આ તળાવનું લોકાર્પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ષ 2018માં કર્યુ હતું. લોકાર્પણના દિવસો દરમિયાન તળાવમાં રંગબેરંગી લાઈટો, બોટિંગ, ગાર્ડન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.

લોકાર્પણ દરમિયાન તળાવ માં રંગબેરંગી લાઈટો થી રોશની કરાઈ
લોકાર્પણ દરમિયાન તળાવ માં રંગબેરંગી લાઈટો થી રોશની કરાઈ

ભીમનાથ તળાવને સુંદર બનાવવા કડી નગરપાલિકાએ 1 કરોડના ખર્ચે આ તળાવને અમદાવાદના કાંકરિયા તળાવ જેવું જ બનાવ્યું હતું. જોકે, નગરપાલિકા ની જ બેદરકારીના કારણે કોરોડોના ખર્ચ તૈયાર કરવામાં આવેલું આ તળાવ હાલ ખરાબ હાલતમાં છે. તળાવમાં હાલ ગટરનું પાણી છોડવામાં આવતા તળાવનું પાણી ખરાબ થયું છે. જેથી લોકો ડોકિયું પણ કરવા માંગતા નથી.

જનતા માટે બોટિંગ કરવા મુકેલી બોટો હાલ ધૂળ ખાય છે
જનતા માટે બોટિંગ કરવા મુકેલી બોટો હાલ ધૂળ ખાય છે

ભીમનાથ તળાવ માત્ર બે જ વર્ષમાં ગટરની ગંદકીમાં ફેરવાયું છે. તળાવ પાસે બનાવવામાં આવેલા ગાર્ડનમાં પણ ઠેર-ઠેર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે. તેમજ જે તે સમયે રંગબેરંગી રોશની કરાઈ હતી તેની લાઈટો પણ ગાયબ છે, ડાન્સિંગ ફૂવારાનું નામો નિશાન જોવા મળતું નથી. તેમજ લોકો માટે બોટિંગની સુવિધા કરાઈ હતી, તે પણ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.

ગટર ના પાણી ના કારણે રોગચાળા નો ભય
ગટર ના પાણી ના કારણે રોગચાળા નો ભય
અન્ય સમાચારો પણ છે...