તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Bhavina Patel's Father, Who Reached The Semi finals Of The Paralympic Table tennis, Runs A Cutlery Shop, Bhavina Works In Ahmedabad Civil To Ease The Financial Burden.

PM મોદીની ટ્વીટ, એક્સલન્ટ ભાવિના:પેરાલિમ્પિકમાં ગુજરાતનું ગૌરવ વધારનાર મહેસાણાની ભાવિનાના પિતા ચલાવે છે કટલરીની દુકાન, પિતાને આર્થિક મદદ કરવા અમદાવાદ સિવિલમાં જોબ પણ કરી

મહેસાણા21 દિવસ પહેલાલેખક: અપૂર્વ રાવલ
  • મહેસાણાના સુઢિયા ગામની રહેવાસી છે ભાવિના પટેલ
  • ખેડૂત પિતાએ અન્ય પાસેથી નાણાંની મદદ લઈ દીકરીને અભ્યાસ અર્થે અમદાવાદ મોકલી
  • ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓને જોઈ આ સ્પોર્ટ્સમાં કંઈક કરવાની ઇચ્છા જાગી
  • પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાવિના પટેલે બ્રાઝિલની ખેલાડી ઓલિવિરાને હરાવી

મહેસાણાનું સુઢિયા ગામ આજે ગૌરવ અનુભવી રહ્યું છે. ગામની દિવ્યાંગ દીકરીએ અનેક મુશ્કેલીઓ વેઠીને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે. ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાવિના પટેલે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને હવે તે ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક પગલું જ દૂર છે. ભાવિના પટેલના પિતા ખેડૂત છે અને તેઓ કટલરીની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. પરિવારની સ્થિતિ સારી ન હોવા છતાં અન્ય પાસેથી નાણાંની મદદ લઈ દીકરીને અભ્યાસ અર્થે અમદાવાદ મોકલી હતી. ભાવિના પણ પિતાના આર્થિક ભારણને ઓછું કરવા અમદાવાદ સિવિલમાં નોકરી કરવા લાગી હતી. આજે ભાવિના પર માત્ર તેનું ગામ જ નહીં, પરંતુ સમગ્ર ભારત ગૌરવ કરી રહ્યું છે. ભાવિનાના પિતાને આશા છે કે ભાવિના ગોલ્ડ મેડલ જીતશે.

ભાવિના મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની
ભાવિના પટેલ મહેસાણા જિલ્લામાં આવેલા સુંઢિયા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. ભાવિનાના પિતા ગામમાં નાનકડી સ્ટેશનરી અને કટલરીની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ભાવિનાને બાળપણથી હતી પોલિયોની અસર
મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતી આજે ગોલ્ડ મેડલ જીતવાથી એક પગલું દૂર છે. જોકે આ યુવતી બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જોકે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી.

પ્રથમવાર ભાવિનાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
ભાવિનાના પિતા હસમુખભાઈ પટેલે ભાસ્કરને જણાવ્યું હતું કે મારી દીકરી પ્રથમવાર ટેબલ ટેનિસ રમીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્યારે અમારા પરિવારમાં ખૂબ ખુશી આવી હતી અને અમારી દીકરીની ઇચ્છા મુજબ સતત પ્રયત્નશીલ રહ્યા. આજે અમારી દીકરી દેશ લેવલે રમી રહી છે, જેનો ખૂબ જ આનંદ અમે લોકો અનુભવી રહ્યા છીએ. જોકે અમને વિશ્વાસ છે કે અમારી દીકરી ગામ અને સમગ્ર ભારત દેશનું નામ રોશન કરશે.

આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં દીકરીને અમદાવાદ મોકલી
આજે દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કરનારી મહેસાણાની ભાવિના પટેલના પરિવારની એક સમયે સ્થિતિ સારી નહોતી. પિતા નાનકડી કટલરીની દુકાન ચલાવી પોતાનાં ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવે છે. તેના પિતાએ અન્ય લોકો પાસેથી આર્થિક મદદ લીધી હતી અને દીકરીને અભ્યાસ અર્થે અમદાવાદ મોકલી હતી.

3 વર્ષ અમદાવાદમાં સિવિલમાં કેસ લખવાનું પણ કામ કર્યું
ભાવિના પટેલ એક સામાન્ય પરિવારમાંથી આવતી યુવતી છે. જોકે પિતાએ વધુ અભ્યાસ માટે તેને અમદાવાદ ખાતે આવેલા અંધજનમંડળમાં અભ્યાસ અર્થે મોકલી હતી. ત્યાં ભાવિના પટેલે અભ્યાસની સાથે સાથે સિવિલમાં ત્રણ વર્ષ સુધી દર્દીઓના કેસ લખવાનું પણ કામ કર્યું, જેથી પિતા પાસે નાણાં માગવા ન પડે.

ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી
મહેસાણાની ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી. હવે 29 ઓગસ્ટે ગુજ્જુ ખેલાડી ઈતિહાસ રચવા ટેબલ ટેનિસ કોર્ટમાં ઉતરશે. આની પહેલા ભાવિના સતત ત્રણ મેચ જીતી સેમીફાઇનલમાં પહોંચી હતી. ભાવિનાએ સર્બિયન પ્લેયર બોરિસ્લાવા રેન્કોવિકને વુમન સિંગલ ક્લાસ 4 ઇવેન્ટમાં 11-5, 11-6, 11-7થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેવામાં ભાવિનાના બેક ટુ બેક આક્રમક પ્રદર્શનને જોતા લાગે છે કે તે ફાઇનલમાં ગોલ્ડ મેડલ પણ જીતી શકે છે.

અન્ય સમાચારો પણ છે...