ગુજરાતની દીકરીએ રંગ રાખ્યો:કોમનવેલ્થ ગેમ્સમાં ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો, સુંઢિયા ગામમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરાઈ

મહેસાણા2 મહિનો પહેલા
  • પિતાએ કહ્યું- ભાવિના ગામમાં આવશે ત્યારે તેનો વરઘોડો કાઢી સન્માન કરીશું
  • ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીતતા ગામમાં ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી

બર્મિંગહામમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના મહેસાણા જિલ્લાની વતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ભાવિના પટેલે ગોલ્ડ જીત્યા બાદ તેના વતનમાં ખુશીનો માહોલ છવાયો છે. સુંઢિયા ગામમાં રહેતા તેના માતાપિતા અને ગામલોકોએ એકબીજાના મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. ભાવિના પટેલ બર્મિંગહામથી ગુજરાત પરત ફરે ત્યારે તેનું સુંઢિયા ગામમાં ભવ્ય સ્વાગત કરવાની પરિવારજનો અને ગામલોકોએ ભવ્ય તૈયારીઓ શરૂ કરી છે.

કોમનવેલ્થ ગેમ્સમાં નાઈજીરિયન ખેલાડીને હરાવી
બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં મૂળ ગુજરાતી ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ધમાકેદાર પર્ફોમન્સ કરી ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. ફાઈનલ મેચમાં ભાવિના પટેલની નાઈજીરિયન ખેલાડી સામે ટક્કર થઈ હતી. જેમાં તેની ભવ્ય જીત થઈ હતી.

બર્મિંગહામમાં થયેલી જીતની સુંઢિયા ગામમાં ઉજવણી
ભાવિના પટેલનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું સુંઢિયા ગામ છે. પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતતા જ સુંઢિયા ગામમાં દિવાળી જેવો માહોલ છવાયો હતો. પરિવારજનો અને ગ્રામજનોએ એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.

ભાવિના આવશે ત્યારે ગામમાં તેનો વરઘોડો કાઢી સન્માન કરીશું-પિતા
મહેસાણાના સુંઢિયા ગામમાં રહેતા ભાવિના પટેલના પિતા હસમુખભાઈએ કહ્યું હતું કે, દીકરીની જીતથી અમે ખૂબ ખુશ છીએ. તે વતનમાં પરત ફરે તેની અમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વતનમાં પરત ફરશે ત્યારે ગામમાં તેનો વરઘોડો કાઢી સન્માન કરી આશીર્વાદ આપીશું.

ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો
ભાવિના પટેલે આ પહેલા ટોક્યોમાં યોજાયેલા પેરાલિમ્પિકમાં ભાવિના પટેલે ચીનની નંબર વન ખેલાડીને હરાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં મેડલ જીતનારા ભાવિના પટેલ દેશના પ્રથમ મહિલા ખેલાડી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...