આજે માઁ બહુચરનો ચુંવાળમાં પ્રાગટ્ય દિન:છેલ્લા બે દિવસથી ઉમટી રહેલા ભક્તોના ઘોડાપૂરથી બહુચરાજી ભક્તિમય બન્યું, રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે માઁની શાહી સવારી નીકળશે

મહેસાણાએક મહિનો પહેલા
  • આ ત્રિદિવસીય મેળામાં 12 લાખથી વધુ ભાવિકો માઁના દર્શન કરી ધન્યતા અનુભવશે
  • સેવાભાવી સંસ્થાઓ અને યુવા મંડળો દ્વારા બહુચરાજીને જોડતાં માર્ગો પર સેવા કેમ્પો ધમધમ્યા
  • રાત્રે 9.30 કલાકે ગાર્ડ ઓફ ઓનર સાથે માઁની શાહી સવારી મુખ્ય મંદિરથી નીકળી શંખલપુર પહોંચશે

યાત્રાધામ બહુચરાજીમાં છેલ્લા બે દિવસથી અવિરત ઉમટી રહેલા ભક્તોના કારણે યાત્રાધામમાં ભક્તિમય બન્યું છે. ચૈત્રી પૂનમના આ ત્રિદિવસીય મેળામાં 12 લાખથી વધુ ભાવિકો દર્શન કરશે. ચૈત્રી પૂનમના આ દિવસે માઁ બહુચર ચુંવાળ(બહુચરાજી)માં મુખ્ય સ્થાને પ્રગટ થયાં હતાં. આ મેળામાં ભક્તોના કારણે યાત્રાધામને જોડતા તમામ રસ્તાઓ ચેતનવંતા બન્યા છે, જ્યાં "બોલ મારી બહુચર જય જય બહુચર"ના જયઘોષ સાથે ભક્તો ઉમટી પડ્યા છે. નોંધનીય છે કે આજે રાત્રે 9.30 કલાકે ગાર્ડ ઓફ ઓનર સાથે માઁ બહુચરની શાહી સવારી બહુચરાજીના મુખ્ય મંદિરથી નીકળી શંખલપુર ટોડા માતાજીના મંદિરે પહોંચશે, જમાં શામેલ થવા લોકોની ભીડ ઉમટશે.

મા બહુચરના દર્શન કરવા મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો અને ભૂલકાઓ માતાજીની ચરણ રજ માથે ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે. માત્ર ગુજરાતમાંથી નહિ પરંતુ ભારતભરમાંથી માઈ ભક્તો માતાજીના દર્શને પધારી રહ્યા છે. બહુચરાજી ખાતે ત્રણ વિભાગમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં મંદિરની અંદર, બહાર અને યાત્રાધામને જોડતા માર્ગો પર વાહન વ્યવહાર નિયમનની વ્યવસ્થા કરવામાં આવી છે.

માર્ગો પર સેવા કેમ્પો ધમધમ્યા
માતાજીના દર્શનાર્થે પગપાળા આવતા સંઘોના ભાવિકો યાત્રિકોને રસ્તામાં ચા-પાણી, નાસ્તો, ઠંડા પાણી, લીંબુ શરબત, ફળફળાદી અને જમવાની સુવિધા મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ અને યુવા મંડળો દ્વારા બહુચરાજીને જોડતાં માર્ગો પર સેવા કેમ્પો ધમધમતા બન્યા છે.

100થી વધુ સ્વયંસેવક સેવા આપી રહ્યા
બહુચર માતાના દર્શનાર્થે આવતા અને કલાકોના કલાક સુધી લાઈનમાં ઉભા રહી દર્શનની પ્રતીક્ષા કરતા માઈ ભક્તોને લાઈનમાં શુદ્ધ પાણી અને ઠંડી છાસ મળી રહે તે માટે આનંદ ગરબા મંડળના 100થી વધુ સ્વયંસેવક ખડે પગે ઉભા રહી સેવા આપી રહ્યા છે.

આજે રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે પાલખી નીકળશે
પૂનમની રાત્રે 9.30 કલાકે ગાર્ડ ઓફ ઓનર સાથે માઁ બહુચરની શાહી સવારી બહુચરાજીના મુખ્ય મંદિરથી નીકળી શંખલપુર ટોડા માતાજીના મંદિરે પહોંચશે. માતાજીની પાલખીનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...