વિશ્વ અંગદાન દિવસ:60 વર્ષિય દાદાને નવજીવન મળતાં અંગદાન માટે જાગૃતિ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં 800થી 1000 લોકોને કિડનીની જરૂર છે

મહેસાણા જિલ્લામાં 3 વર્ષ સુધી આરએસએસના પ્રચારકની જવાબદારી નિભાવનાર અને ભૂજ શહેરમાં રહેતાં 60 વર્ષિય દિલીપભાઇ દેશમુખ(દાદા)નું ગત વર્ષે લીવર ફેઇલ થયું હતું. જો કે, ગત તા.10 જુલાઇ 2020 માં સુરતના બ્રેઇન ડેડ થયેલા યુવાનનું લીવર દાનમાં મળ્યું હતું. નવજીવન મળતાં દાદાએ મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા નામે એક પુસ્તક લખ્યું હતું.

આ પુસ્તક દ્વારા તેઓએ લોકોને અંગદાન કેટલું જરૂરી છે તે અંગે સમજ આપવાનો પ્રયાસ કર્યો છે. દિલીપભાઇએ કહ્યુ હતુ કે, મહેસાણા જિલ્લામાં 800થી 1000 લોકોને કિડની જરૂરીયાત છે. બ્રેઇન ડેડના કિસ્સામાં વધુને વધુ અંગદાન થાય તે માટે જાગૃતિ કાર્ય શરુ કરી દીધું છે. આ માટે તેઅોએ અત્યાર સુધીમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ગાંધીનગર અને સુરત સહિતના જિલ્લામાં સેમિનાર કરી લોકોને અંગદાન માટે પ્રેરિત કર્યા છે.જેને લઈ લોકોમાં જાગૃતિ આવી શકે.

મગજ જરા પણ કાર્યરત ન રહે તે બ્રેઈન ડેડ કોઇ વ્યક્તિને મગજને ગંભીર ઇજા પહોંચે ત્યારે તે ફુલવા લાગે છે. મગજમાં લોહિનું પરિભ્રમણ અટકી જાય છે. અા સમયે હદયના ધબકારા અને શ્વાસની પ્રક્રિયા ધીમી પડે છે. જેને લઇ વેલ્ટિલેટરની મદદથી શ્વાસ પુરો પાડવામાં અાવે છે. ડોકટર દ્વારા દર્દીને બચાવવાના પ્રયત્નો નિષ્ફળ જાય તેમજ મગજ જરા પણ કાર્યરત ન થાય ત્યારે દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરાય છે.

અંગદાન કરવા માટેની જરૂરી બાબતો
- બ્રેઇન ડેડ દર્દીના સગા-સંબંધીઅે ડોક્ટરને જાણ કરવી
- sooto.nic.in વેબસાઇટ પર લોગીન કરી ગુજરાત સ્ટેટ પર ક્લિક કરવું
- ત્યાર બાદ ફોર્મ-8 અને ફોર્મ-10 ડાઉનલોડ કરી ભરવું
- ફોર્મ ભર્યા બાદ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી