મહેસાણા જિલ્લામાં બહુચરાજી, ઊંઝામાં ઉમિયા, વડનગરમાં હાટકેશ્વર સહિત 7 જેટલા સ્થાનકોમાં ભગવાનને ચઢાવી ભક્તોને આપવામાં આવતી પ્રસાદી હાઇઝેનિક એટલે કે આરોગ્યપ્રદ હોવા અંગે રેટિંગ ઓડિટ ફૂડ સેફ્ટી તંત્ર અને થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. હવે નજીકના દિવસોમાં દિલ્હીથી આ સાત મંદિરોમાં ભક્તોને આપવામાં આવતી પ્રસાદી આરોગ્યપ્રદ હોવાનું સર્ટિફીકેશન(પ્રમાણિત) થઇને આવશે. જોકે મોટાભાગે મંદિરમાં પ્રસાદી (ભોજન) આરોગ્યપ્રદ હોય છે, ત્યારે તંત્ર રાહે તેનું સર્ટિફીકેશન કરવામાં આવી રહ્યું છે.
ભગવાનને ધરાવવામાં આવતી પ્રસાદી( બ્લીઝફુલ હાઇઝેક ઓફરિંગ ટુ ગોડ) અને શ્રધ્ધાથી ભક્તોને આપવામાં આવતી પ્રસાદી આરોગ્યપ્રદ બની રહે તે માટે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબ ઓડિટ કરીને સર્ટિફીકેશન આપવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
યાત્રાધામ બહુચરાજીમાં બહુચરાજી મંદિર, ઊંઝામાં ઉમિયા માતા મંદિર, ઐઠોરમાં ગણપતિ મંદિર, વડનગરમાં હાટકેશ્વર મંદિર, મોઢેરામાં મોઢેશ્વરી મંદિર, મહેસાણામાં સ્વામિનારાયણ મંદિર અને બાયપાસ ઇસ્કોન મંદિરમાં પ્રસાદી, ત્યાંના રસોઇ ઘરની સ્થાનિક ફૂડ સેફ્ટી તંત્રની ટીમ દ્વારા મુલાકાત લેવાયા બાદ થર્ડ પાર્ટી રેટિંગ માટે ઓડિટ કરાયું છે.
મહેસાણા જિલ્લા ફૂડ સેફ્ટી ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જી. ચૌધરીએ કહ્યું કે, મંદિરોમાં શ્રધ્ધાથી ભક્તોને આપવામાં આવતી પ્રસાદી હાઇજેનિક(આરોગ્યપ્રદ) હોવી જોઇએ. આ પ્રસાદી આરોગ્યપ્રદ બને તેના ભાગરૂપે દિલ્હી એફ.એસ.એસ.આઇ મારફતે સાત જેટલા મંદિરોમાં પ્રસાદી ભોજનનું હાઇજેનીક સર્ટિફીકેશન કરાવવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.