લૂંટમાં પકડાયેલ મિત્ર જેલમાંથી છૂટતાં ચાલતા બાધા કરવા જઈ રહેલા બહુચરાજીના યુવકોને ચાર શખ્સોએ માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ મોઢેરા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે રૂપપુરાના એક અને ત્રણ અજાણ્યા સહિત 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બહુચરાજીની રેલ્વે કોલોનીમાં રહેતા ઠાકોર સચિનજી કનુજીના મિત્ર ઠાકોર પ્રધાનજી વશરામજીએ ત્રણ મહિના પહેલાં લૂંટ કરી હતી અને બહુચરાજી પોલીસે પકડ્યા બાદ મહેસાણા જેલમાંથી છૂટતાં દેલવાડા સિકોતર માતાના મંદિરની બાધા કરવા સચિનજી, હાંસલપુરનો રાહુલ ઠાકોર, ડોડીવાડાનો શિવો ઠાકોર, રોહિત ઠાકોર અને જીગર ઠાકોર સહિતના યુવાનો સાથે સોમવારે ચાલતા દેલવાડા જવા નીકળ્યા હતા. ત્યારે મહેસાણા- મોઢેરા રોડ પર મોટપ ચોકડી નજીક પાછળથી આવેલા ચાર શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો.
જેમાં સચિનજીને માથાના અને મોઢાના જડબાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બાદમાં ચારે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. જેમાં બહુચરાજી તાલુકાના રૂપપુરા ગામના યુવરાજસિંહ દરબારને સચિનજી ઓળખી જતાં પોતાને માર મારી હુમલો કરનાર યુવરાજસિંહ અને અન્ય ત્રણ શખ્સો સામે મોઢેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.