મહેસાણા તાલુકાના અલોડા ગામમાં ગુરૂવારે સાંજે ખેતરની સફાઇ કરી રહેલા ખેતર માલિક સહિત 2 શખ્સો ઉપર ગામના સરપંચ સહિત 4 શખ્સોએ આ ખેતર અમારું છે, આ જગ્યા છોડી જતા રહો તેવી ધાકધમકી આપી લાકડાના ધોકા અને ધારિયાથી હુમલો કરી રૂ.87 હજારની લૂંટ ચલાવી હતી. તેમજ જેસીબી પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા. હુમલામાં 2 શખ્સોને ઇજા પહોંચી હતી. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે 4 શખ્સો સામે લૂંટ અને મારામારીનો ગુનો નોંધ્યો છે.
અલોડા ગામના રમેશજી પ્રતાપજી ઠાકોર ગુરુવારે સાંજના અલોડા બસ સ્ટેન્ડની પાછળ રેલવે તરફ જતા રસ્તા પર આવેલા ડાહ્યાભાઇ લાલજીભાઇ પટેલના ખેતરમાં જેસીબીની મદદથી સફાઇ કરાવી રહ્યા હતા. તે દરમિયાન ગામના ભરત મોતીભાઇ રબારી, સરપંચ સુરેશજી સરદારજી ઠાકોર અને અજયજી કાંતિજી ઠાકોર હાથમાં લાકડી, ધોકો અને ધારિયું લઇને આવી આ ખેતર અમારું છે, કેમ સફાઇ કરાવો છો, ખેતર છોડીને જતા રહો તેવી ધમકી આપી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ જેસીબી પર પથ્થરમારો કર્યો હતો.
ઝપાઝપીમાં ભરતભાઇ રબારીએ રમેશજીના ખિસ્સામાંથી રૂ.12 હજાર અને ગળામાં પહેરેલો રૂ.75 હજારની કિંમતનો દોઢ તોલા સોનાનો દોરો લૂંટી લીધો હતો. આ દરમિયાન ત્રણેય શખ્સોનું ઉપરાણું લઇ લગધીર દેસાઇ પણ ત્યાં આવ્યા હતા અને ચારેય શખ્સોએ રમેશજી ઠાકોર અને ડાહ્યાભાઇ પટેલને માર માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.