બહુચરાજીના સુરપુરામાં દૂધ ડેરી ચાલુ કરવા બાબતે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બબાલ થતાં હુમલામાં આધેડને ધારીયાના ઘા ઝીંકતા ઈજાગ્રસ્ત થયા હતા. મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજી તરફ બહુચરાજી પોલીસે 6 શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધીને સાવચેતીના પગલાં રૂપે સુરપુરા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ગામના ઈશ્વરભાઈ રધાભાઈ દેસાઈએ બુધવારે સવારે મહેસાણાની દૂધસાગર ડેરીના સેન્ટર તરીકે ટુવડ-2 સેન્ટર ગામમાં શરૂ કરવાનુ નક્કી કર્યુ હતુ. ઈશ્વરભાઈ દેસાઈ અને તેમનો દીકરો સુભેષ સવારે ડેરી ચાલુ કરવા જતા હતા તે દરમિયાન દેસાઈ વિક્રમભાઈ અમથાભાઈ અને અન્ય પાંચ અવ્યક્તિઓ લોખંડની પાઈપ, ધારીયુ, લાકડીઓ લઈને આવ્યા હતા. તે સમયે મહેશ ધરમશી દેસાઈ નામના શખ્સે ઈશ્વરભાઈના માથામાં ધારીયુ મારતા લોહી નીકળવા લાગ્યુ હતુ.
આ સમયે તેમના દીકરાને પણ અન્ય શખ્સોએ લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. જો કે, ગામના લોકો એકઠા થઈ જતાં તેઓ ભાગી ગયા હતા. ઈશ્વરભાઈ દેસાઈને માથામાં ગંભીર ઈજાઓ થતાં 108 દ્વારા વધુ સારવાર અથે મહેસાણા ખસેડાયા હતા. હુમલો કરતા પહેલાં આરોપીઓએ ઈશ્વરભાઈ દેસાઈના દીકરા જીતેન્દ્રને પણ ફોન ઉપર ડેરી ચાલુ ન કરવા ધમકી આપી હતી. પોલીસે સુરપુરાના 6 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઈન્ચાર્જ પીઆઈ મુકેશ બારોટે કહ્યુ કે, ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મુખ્ય આરોપી વિક્રમઅમથાભાઈ દેસાઈ અને વિરમ અમથાભાઈ દેસાઈની અટક કરી કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરાશે.
આ શખ્સો સામે ફરિયાદ
1.વિક્રમભાઈ અમથાભાઈ દેસાઈ
2.મહેશભાઈ ધમશીભાઈ દેસાઈ
3.વિરમભાઈ અમથાભાઈ દેસાઈ
4.રાજુભાઈ ધમશીભાઈ દેસાઈ
5.આનંદભાઈ પ્રભાતભાઈ દેસાઈ
6.ધમશીભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.