મહેસાણા|મહેસાણા જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકો પર ભરાયેલા ઉમેદવારી પત્રોની શુક્રવારે ચકાસણી કરાઇ હતી. જેમાં કુલ 103 ઉમેદવારો પૈકી 12 ઉમેદવારોનાં ફોર્મ રદ થયાં હતાં. જ્યારે 91 ઉમેદવારનાં ફોર્મ માન્ય રહ્યા છે. રદ થયેલા 12 પૈકી 10 ડમી ઉમેદવારનાં ફોર્મ હતાં. જ્યારે ખેરાલુમાં અપક્ષ ઉમેદવારે સોગંદનામુ રજૂ કરેલું ન હોઇ તેમજ ડિપોઝિટ ભરેલી ન હોઇ તેમનું ફોર્મ ચકાસણીમાં રદ થયું હતું. જ્યારે કડીમાં એક અપક્ષ ઉમેદવારે સોગંદનામુ રજૂ ન કરતાં તેમનું ફોર્મ અમાન્ય થર્યું હતું. 21મી નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. ત્યાર બાદ હરીફ ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
મહેસાણા, બહુચરાજી, વિજાપુર અને ઊંઝામાં ભાજપના માન્ય ઉમેદવારના ડમી ઉમેદવાર, કડી, વિસનગર અને ખેરાલુમાં ભાજપ અને કોંગ્રેસના માન્ય ઉમેદવારના ડમી ઉમેદવાર મળી કુલ 10 ડમી ઉમેદવારોનાં ફોર્મ ચકાસણીમાં અમાન્ય થયા છે. પાર્ટી મેન્ડેટ મુજબના ફોર્મ માન્ય રહેતાં તેમના વિકલ્પના ઉમેદવારનું ફોર્મ અમાન્ય (રદ) થયાનું ચૂંટણી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ખેરાલુ બેઠકમાં અપક્ષ ઉમેદવાર બહેલીમ આઇસમહંમદ સઇમખાનના ફોર્મ સાથે સોગંદનામુ નહોતું તેમજ ડિપોઝિટ ભરેલી ન હોઇ તેમનું ફોર્મ અમાન્ય ઠર્યુ છે. કડી બેઠકમાં અપક્ષ ઉમેદવાર અરવિંદભાઇ અંબાલાલ સોલંકીએ સોગંદનામુ રજૂ કરેલું ન હોઇ તેમનું ફોર્મ ચકાસણીમાં અમાન્ય થયું હોવાનું ચૂંટણી અધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
મહેસાણા બેઠક પર એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
મહેસાણા બેઠકમાં આમ આદમી પાર્ટીના માન્ય ઉમેદવાર દિશાંત પટેલનું ફોર્મ માન્ય રહ્યું હતું. જ્યારે તેમના ડમી ઉમેદવાર ભરતકુમાર પટેલનું ઉમેદવારી પત્ર અપક્ષ ઉમેદવાર તરીકે ચકાસણીમાં માન્ય રહ્યું હતું. આથી શુક્રવારે જ ભરત પટેલે તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી હોવાનું ચૂંટણી કચેરીના સૂત્રોએ કહ્યું હતું. મહેસાણામાં હાલ 18 ઉમેદવાર રહ્યા છે. જોકે, 21મીએ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
મહેસાણા: ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારોનું ચિત્ર... | |||
વિધાનસભા | કુલ | માન્ય | અમાન્ય |
મહેસાણા | 20 | 19 | 1 |
ખેરાલુ | 13 | 10 | 3 |
વિજાપુર | 11 | 10 | 1 |
વિસનગર | 17 | 15 | 2 |
કડી | 16 | 13 | 3 |
ઊઝા | 11 | 10 | 1 |
બહુચરાજી | 15 | 14 | 1 |
કુલ | 103 | 91 | 12 |
ઉ.ગુ. ફોર્મ ચકાસણી બાદનું ચિત્ર | ||||
જિલ્લો | બેઠક | કુલ | રદ | માન્ય |
મહેસાણા | 4 | 103 | 12 | 91 |
પાટણ | 3 | 83 | 11 | 72 |
બનાસકાંઠા | 9 | 133 | 28 | 105 |
સાબરકાંઠા | 4 | 77 | 44 | 33 |
અરવલ્લી | 3 | 72 | 8 | 64 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.