યુક્રેનમાં ઉ.ગુ.ના 69 છાત્રો ફસાયા:યુદ્ધ શરૂ થતાં છાત્રોના જીવ અધ્ધર, ચિંતાતુર વાલીઓની સરકારને બે હાથ જોડીને વિનંતી - ‘સરકાર, અમારાં બાળકોને વહેલીતકે હેમખેમ ભારત લાવો’

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગ્રુપની સામુહિક જૂની તસ્વીર હાલમાં તમામ ત્યાં ફસાયેલા છે. - Divya Bhaskar
ઉત્તર ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગ્રુપની સામુહિક જૂની તસ્વીર હાલમાં તમામ ત્યાં ફસાયેલા છે.
  • ચિંતાનો માહોલ -યુદ્ધને લઇ મોલમાં અનાજ અને કરિયાણું તેમજ એટીએમમાં નાણાં ખૂટી પડ્યાં, ખરીદી માટે લોકોની ભારે ભીડ
  • પાટણના છાત્રોએ કહ્યું, ઘરમાં કરિયાણું ખૂટી ગયું , ખિસ્સામાં પૈસા નથી; પાલનપુરના છાત્રોની ટિકિટ બુક થઈ પણ વિમાનસેવા બંધ થતાં ફસાઇ ગયા
  • 30 પાટણ, 20 બનાસકાંઠા ,14 મહેસાણા, 03 અરવલ્લી ,02સાબરકાંઠા

રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ વાલીઓમાં ચિંતા અને ઉચાટમાં વધારો થયો છે. તંત્રને મળેલી પ્રાથમિક વિગતો મુજબ મહેસાણાના 14, પાટણના 30, બનાસકાંઠાના 20, સાબરકાંઠાના 2 અને અરવલ્લીના 3 મળી કુલ 69 છાત્રો ફસાયા છે. આ તમામ છાત્રોના વાલીઓ સરકાર ખાસ ફ્લાઇટ મારફતે તેમને હેમખેમ ભારત પરત લાવે તેવી વિનંતી કરી રહ્યા છે.

પાટણ શહેરના 30 વિદ્યાર્થીઓને પરત લવાય તેવી માંગ સાથે વાલીઓએ કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદ સહિત સરકારમાં રજૂઆત કરી છે. પાટણના છાત્રોએ કહ્યું કે, ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે અને ખિસ્સામાં પૈસા પણ નથી. તો પાલનપુરના છાત્રો પણ ફલાઇટની ટિકિટ બુક થઈ ગઇ હતી, પરંતુ યુદ્ધના લીધે વિમાનસેવા બંધ થતાં ફસાઇ ગયા છે. વાલીઓ તેમના સંતાનો સાથે સતત વ્હોટ્સએપ કોલથી સંપર્કમાં છે અને ઘરની બહાર નહીં નીકળવા સલાહ આપી રહ્યા છે. પાલનપુરના વિદ્યાર્થીઓએ કહ્યું કે, સવારે જ અનાજ, કરિયાણું અને એટીએમમાંથી પૈસા કાઢી લીધા હતા. ત્યાર બાદ શોપિંગ મોલ અને એટીએમમાં ભારે ભીડ થઈ ગઈ હતી. સાબરકાંઠાના 2 અને અરવલ્લી જિલ્લાના 3 છાત્રો ફસાયા છે. તેમના પરિવારોએ પણ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

કોરોનાની જેમ આ વખતે પણ સરકાર પરત લાવે
મહેસાણાના મોઢેરા રોડ શ્યામવિહાર બંગ્લોઝમાં રહેતા દિલિપભાઇ પટેલે કહ્યું કે, દીકરો રાજ હાલ યુક્રેનના ટર્નોફીલ શહેરમાં મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. રાજ સાથે ફોનથી વાત થઇ, તેને હાલ તકલીફ નથી પણ ચિંતા થાય છે. તેમની યુનિ.એ ઓનલાઇન અભ્યાસની છૂટ ન આપી એટલે વિદ્યાર્થીઓની નીકળી ન શક્યા. હવે ફ્લાઇટો બંધ કરાઇ છે. કોરોના વખતે વિદેશથી વિદ્યાર્થીઓને સરકાર પરત લાવી તેમ આ વખતે પરત લાવવા જોઇએ.

28મીએ ટિકિટ હતી પણ ફ્લાઇટો બંધ થઇ ગઇ
મહેસાણાના સહકારનગરમાં રહેતા વેપારી કનુભાઇ પટેલે કહ્યું કે, દીકરો ગૌરવ યુક્રેનમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં ભણે છે. કોરોનામાં તે ઘરે આવેલો અને 9 મહિના પહેલાં યુક્રેન પરત ગયો હતો. હાલ ત્યાંના વાતાવરણને લઇને ગૌરવે બુધવારે જ તા.28મીની પ્લેન ટિકિટ કન્ફર્મ કરી હતી, પણ ગુરુવારથી યુક્રેનની ફ્લાઇટો બંધ થઇ ગઇ છે. પૂર્વમાં યુદ્ધ આગળ વધી પશ્ચિમમાં આવે તેની ચિંતા છે. સરકારે વિદ્યાર્થીઓને વતન ભારત લાવવા મદદ કરવી જોઇએ.

વિદ્યાર્થીને મકાન માલિકે ભોંયરાની ચાવી આપી
વડનગરની સાકેત સોાસયટીમાં રહેતા વેપારી મિલનભાઇ મોદીએ કહ્યું કે, દીકરો ક્રિનેશ સાથી વિદ્યાર્થીઓ સાથે યુક્રેનના ટર્નોફીલ સિટીમાં ભાડાના બંગલામાં રહે છે. હાલ તો પશ્ચિમમાં શાંતિ છે. જોકે, પૂર્વ જેવી સ્થિતિ સર્જાય તો તેમના બંગલાના માલિકે ભોંયરામાં બનાવેલા બે રૂમની ચાવી રહેવા આપી છે. મકાન માલિકનો આ સ્થિતિમાં સહયોગ મળ્યો છે. 3 માર્ચની ટિકિટ હતી પણ ફ્લાઇટો બંધ છે.

યુક્રેનથી યશ્વી આજે જ મહેસાણા પરત ફરી
મહેસાણાના પુષ્પક બંગ્લોઝમાં રહેતા કનુભાઇ પટેલે કહ્યું કે, દીકરી યશ્વી યુક્રેનની ઇવાનો સિટીમાં મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, જે યુક્રેન બોર્ડરથી 1700 કિમી દૂર છે પણ ચિંતા થાય. તેમની યુનિવર્સિટીએ ઓનલાઇન ક્લાસીસ ન કરતાં અમે ભારતીય એમ્બેસીમાં ઇમેલ કરી યુનિ.ને વિનંતી કરવા કહ્યું હતું. એમ્બેસીએ સહકાર આપ્યો અને 10 દિવસ ઓનલાઇન ક્લાસની હાલ છૂટ આપી છે. આવામાં યશ્વી સવારે ફ્લાઇટથી દિલ્હી આવી છે, રાત્રે ટ્રેનમાં મહેસાણા આવી પહોંચશે.

મહેસાણાની યુવતી બમણું ભાડું ખર્ચી પરત ફરી
મહેસાણાના આંબાવાડી વિસ્તારના સામ્રાજ્ય ફ્લેટમાં રહેતા સંદિપભાઈ બારોટની દીકરી ક્રિષ્ના 3 દિવસ અગાઉ યુક્રેનથી પરત ફરી છે. સામાન્ય દિવસોમાં યુક્રેનનું રૂ.35 થી 40 હજાર ભાડું થાય છે. પરંતુ હાલની સ્થિતિને લઇ રૂ.80 હજાર ભાડું ખર્ચીને ભારત પરત ફરવું પડ્યું છે. ગુરૂવાર સવારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતાં દીકરી ઘરે પરત ફરી હોવાથી પિતા સંદિપભાઈ અને માતા ભાર્ગવીબેને રાહત અનુભવી હતી. 3 માસ અગાઉ ક્રિષ્ના રૂ.5 લાખ ખર્ચીને લેંગ્વેજ કોર્ષના અભ્યાસ અર્થે સ્ટુડન્ટ વિઝા ઉપર યુક્રેનની રાજધાની કીવમાં ક્રોક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગઈ હતી. યુદ્ધના કારણે ક્રિષ્નાને અભ્યાસ અધૂરો છોડીને પરત ફરવું પડ્યું છે.

યુક્રેનમાં અભ્યાસ કરતાં મહેસાણાના વિદ્યાર્થી
1. રાજ દિલિપકુમાર પટેલ (મહેસાણા શ્યામવિહાર બંગ્લોઝ)
2. ચિરાગ કાંતિલાલ પટેલ (હરિપુરા, ટુંડાલી, તા. મહેસાણા)
3. ગૌરવ કનુભાઇ પટેલ (સહકારનગર, મહેસાણા)
4. દર્શન જયેશકુમાર પટેલ (અબાસણા, તા. વિજાપુર)
5. સુમંત મહેન્દ્રભાઇ પટેલ (હરિપુરા, ટુંડાલી, તા. મહેસાણા)
6. કષિક ચંદ્રકાન્તભાઇ પટેલ (સૌરભ બંગ્લોઝ, મહેસાણા)
7. યશ્વી કનુભાઇ પટેલ (મૂળ વિજાપુર, હાલ મહેસાણા)
8. યશ રમેશભાઇ સોલંકી (સોમનાથ બંગ્લોઝ, મહેસાણા)
9. ક્રિનેશ મિલનભાઇ મોદી (સાકેત સોસાયટી, વડનગર)
10. ચિરાગ રાજેશજી ઠાકોર (સીપોર, તા.વડનગર)
11. ભૂમિકા મુનેશપુરી ગોસ્વામી (મોટીદાઉ, તા.મહેસાણા)
(સ્ત્રોત : બિનઅનામત આર્થિક વિકાસ નિગમ, સમાજ કલ્યાણ કચેરી)

ધારાસભ્યએ દેશના 1500 વિદ્યાર્થીઓને યુક્રેનથી પરત લાવવા PMને પત્ર લખ્યો
પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ જણાવ્યું કે, પાટણ શહેરના 30 અને જિલ્લાના 150 ગુજરાત રાજ્યના 2500 અને સમગ્ર દેશમાંથી 15 હજાર વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. વિદ્યાર્થીઓના વાલીઓ હાલમાં ખૂબ જ ચિંતિત હોય ભારત સરકાર દ્વારા તાત્કાલીક સ્પે. ફલાઈટ મારફતે પરત લાવવા કાર્યવાહી કરે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરી છે.

સરકાર પાસે એક જ આશા,પરત લાવવા તમામ વ્યવસ્થા કરે...
મહેસાણા શુકન સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્તભાઇ પટેલે કહ્યું કે, દીકરો કષિશ યુક્રેનના ટર્નોફીલ સિટીમાં અભ્યાસ કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે છે. સરકાર પાસે આશા છે કે બધા વિદ્યાર્થીઓને પરત વતન લાવવા યોગ્ય વ્યવસ્થા કરે.

ખિસ્સામાં રોકડ પૈસા ન હોય ચિંતા વધી રહી છે
પાટણના બ્રિરેન પટેલે જણાવ્યું કે, મારો દીકરો બાદલ પટેલ યુક્રેનમાં મેડિકલમાં અભ્યાસ કરે છે. તેની સાથે અન્ય મિત્રો છે. હાલમાં યુદ્ધની સ્થિતિને લઈ ત્યાંની સરકારની સૂચના મુજબ ઘરની બહાર ન નીકળી શકતા હોય ઘરમાં જ પુરાયેલા છે. ઘરમાં કરિયાણું ખૂટી પડ્યું છે. એટીએમ બધા ખાલી હોય પૈસા પણ પાસે નથી. ખૂબ ચિંતા થઈ રહી છે. અમારી સરકારને એટલી જ વિનંતી છે કે, સત્વરે ભારત પરત લાવે અથવા તેમને આપણી એમ્બસી મારફતે સુરક્ષિત સ્થળે ખસેડે, જેથી ચિંતા ઓછી થાય.

3 દિવસની અલગ અલગ ટિકિટ કરાવી બધી રદ થઈ
પાટણના નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, મારા દીકરા પાર્થને ઘરે પરત લાવવા 28 ફેબ્રુઆરી, 4 અને 9 માર્ચ એમ ત્રણ દિવસની અલગ અલગ ટિકિટ બુક કરાવી હતી. હાલમાં ત્રણેય ફ્લાઇટની ટિકિટ રદ કરી. ભારતની સ્પે.ફલાઇટ પણ પરત આવી હોય બાળકો કેવી રીતે ભારત આવશે. તેમની શું હાલત હશે તેવા વિચારોને લઈ આખા પરિવારને ચેન પડતું નથી.

આખો દિવસ TVમાં યુક્રેનની સ્થિતિ જોઈ રહ્યા છીએ
પાલનપુરના કનૈયાલાલ અને દક્ષાબેનનો દીકરો સ્મિત વિનિસ્યા સિટીમાં પાલનપુરના પાંચથી સાત છાત્રો સાથે રહે છે. દક્ષાબેને જણાવ્યું કે આખો દિવસ ટીવી સામે બેસીને યુક્રેનની સ્થિતિ જોઈ રહ્યા છીએ. ફલાઈટ બંધ હોવાથી ટિકિટ થઇ ગઇ હોવા છતાં છેલ્લી ઘડીએ એ ના આવી શકયો. અમે સતત તેના સંપર્કમાં છીએ સતત વિડીયોકોલ થી વાતો કરી અને એને હિંમત આપી રહ્યા છીએ. એ પણ અમને હિંમત આપે છે કે ચિંતા જેવું કશું નથી.

અન્ય સમાચારો પણ છે...