કામગીરી:રૂ108 કરોડના ખર્ચે રામોસણા તરફના ગંદાનાળા ઉપર બીજો કમળપથ બનશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ વિભાગે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરતાં મંજૂરી આવ્યા બાદ કામ શરૂ કરાશે​​​​​​​

શહેરમાં રાધનપુર રોડથી રામોસણા ગામ તરફની સોસાયટીઓ અને ગ્રામજનોનો મુખ્ય એવો ગંદાનાળા પર બીજો કમળપથ બનાવવા બાંધકામ વિભાગ દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરાઇ છે અને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આવી ગયા બાદ અંદાજે રૂ.108 કરોડના ખર્ચે 3 કિલોમીટર લાંબા ગંદા નાળા ઉપર ફોરલાઇન આરસીસી રોડ સાથેનો બીજો કમળપથ તૈયાર કરવામાં આવશે. બહુચરાજી વિધાનસભામાં આવતા આ વિસ્તારના ગંદા નાળાના મુખ્ય પ્રશ્નને હલ કરી બીજો કમળપથ બનાવવા માટેની જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સભામાં કરાઈ હતી.

રાધનપુર રોડથી રામોસણા ગામ તરફ કમળપથ-1ની જેમ 3 કિમી લાંબા ગંદાનાળા ઉપર બોક્સ ક્લવર્ટ કરી ફોરલાઈન રોડ બનાવાશેમહેસાણા વિધાનસભા વિસ્તારમાં આવતા ગટરના ગંદા નાળા ઉપર ફોરલાઇન આરસીસી રોડ સાથેનો કમળપથ બનાવ્યા બાદ રાધનપુર રોડથી રામોસણા ગામ તરફ અંદાજે 3 કિલોમીટર લાંબા ગટરના ગંદા નાળા ઉપર બીજો કમળપથ બનાવવા માટેનું કામ જાણે કે ટલ્લે ચડ્યું હતું અને આ વિસ્તારની 100થી વધુ સોસાયટીઓના 25,000 જેટલા રહીશો માટે આરોગ્યના ખતરારૂપ ચૂંટણીમાં પણ મુખ્ય પ્રશ્ન બની ગયો હતો.

જેને લઈ એક મહિના પૂર્વે યોજાયેલી ચૂંટણી પૂર્વેની કેન્દ્રીય મંત્રી અમિત શાહની જાહેર સભામાં રહી ગયેલો બીજો કમળપથ બનાવવાની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ બાંધકામ વિભાગ દ્વારા આ નાળા ઉપર કમળપથ બનાવવા કરાયેલી દરખાસ્તની ફાઈલો ખોલી રાજ્ય સરકારે માંગેલી પૂર્તતા કરી ચૂંટણી પૂર્વે જ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારમાં પરત મોકલી છે.

જેની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આવી ગયા બાદ રૂ.108 કરોડના ખર્ચે રાધનપુર રોડથી રામોસણા ઇંગ્લિશ સ્કૂલ સુધી ગંદા નાળાની ઉપર ગટરના પાણીના નિકાલ સાથેના 15 મીટરના ત્રણ બોક્સ સાથે ફોરલાઇન આરસીસી રોડ સાથે કમળપથનું કામ શરૂ થશે.

કામ શરૂ થતાં હજુ દોઢ વર્ષ લાગી શકે છે
મહેસાણા માર્ગ અને મકાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, કમળપથ-2ની સૈદ્ધાંતિક મંજૂરી આવતાં 6 મહિનાનો સમય અને વહીવટી મંજૂરી આવ્યા પછી કામ શરૂ કરતાં હજુ દોઢ વર્ષનો સમય લાગી શકે છે.

આસપાસની સોસા.ને ગટરનો લાભ મળશે
કમળપથ એકની જેમ જ બનનારા બીજા ભાગના આ ડબલ આરસીસી રોડને લઈ રાધનપુર રોડથી રામોસણા ગામ તેમજ આજુબાજુની સોસાયટીઓને ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા પણ મળશે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...