PMની સભામાં ટોપી અને ટીશર્ટ માટે ખેંચતાણ:કાર્યકર્તાઓએ ભાજપની ટોપી-ટીશર્ટનો ગ્રાઉન્ડ પર ઢગલો કરી દેતાં 'જે વહેલા તે પહેલા'ની જેમ લોકોએ લૂંટ મચાવી

મહેસાણા11 દિવસ પહેલા

રાજ્યમાં વિધનસભાની ચૂંટણીઓને લઇને કેન્દ્રના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનમેદનીને સંબોધન કરશે. ત્યારે મહેસાણામાં વડાપ્રધાનના આગમન પહેલાં ભાજપની ટોપી અને ટીશર્ટ માટે માથાકૂટ થયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. ભાજપના કાર્યકર્તાઓએ સભા ગ્રાઉન્ડ પર જ ટોપી અને ટીશર્ટનો ઢગલો કરી દેતાં લોકોની ધીરજ ખૂટતાં તેમણે પડાપડી કરી હતી. કેટલાક લોકો હાથમાં આવેલી ટીશર્ટને ખેંચતાણ કરતા જોવા મળ્યા હતા.

ભાજપના કાર્યકર્તાઓએ ટોપી અને ટીશર્ટનો ઢગલો કરી દીધો
મહેસાણાના એરોડ્રામ ગ્રાઉન્ડ પર આજે નરેન્દ્ર મોદી સભા ગજવવાના છે, ત્યારે વડાપ્રધાનને સાંભળવા લોકો વહેલી સવારથી જ આવવા લાગ્યા છે. આ વચ્ચે ભાજપના કાર્યકર્તાઓએ ટોપી અને ટીશર્ટનો ઢગલો કરી દીધો હતો, જેમાં વહેલા તે પહેલાંની જેમ સમર્થકોએ ટોપી, ટીશર્ટની લૂંટ ચલાવી હતી. એક ટીશર્ટ માટે ક્યાંક ચાર-ચાર તો ક્યાંક પાંચ-પાંચ લોકોએ ખેંચતાણ કરી હતી. પોલીસની હાજરીમાં લોકોનાં ટોળેટોળાં સામાન્ય ટોપીઓ લેવા પડાપડી કરતાં ભાજપના સ્થાનિક કાર્યકરોએ આવી મામલો શાંત પાડ્યો હતો.

આજે વડાપ્રધાનની ચાર સભા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાળ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, જેમાં સૌપ્રથમ બપોરે એક વાગ્યે મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકોની સંયુક્ત સભા મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે સંબોધશે. ત્યાર બાદ દાહોદ, વડોદરા અને ભાવનગરમાં સભા સંબોધશે.

મહેસાણાના એરોડ્રામ ગ્રાઉન્ડમાં સભા
આ ચૂંટણીમાં 7 બેઠક પૈકી મુખ્યત્વે વિજાપુર, બહુચરાજી અને ખેરાલુ સહિતની ત્રણ બેઠક પર ટિકિટ વહેંચણીને લઈ સ્થાનિક સંગઠન અને કાર્યકરોમાં સર્જાયેલા ભારે ડેમેજને કંટ્રોલ કરી સાતેય બેઠકમાં ભાજપના પોતાના સિક્યોર સહિત અન્ય મતોને અંકે કરવા મોદી આજે મહેસાણા એરોડ્રામ ખાતે ચૂંટણી સભા કરવા આવી રહ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

2017ની ચૂંટણીમાં પણ અહીં જ સભા કરી હતી
વડાપ્રધાન મોદીએ 5 વર્ષ પૂર્વે 9 ડિસેમ્બર 2017ના રોજ આ જ મેદાન ઉપર મોદીએ ચૂંટણીસભા યોજી હતી. ત્યારે મહેસાણાની પોલીસ ટ્રાફિક મેનેજમેન્ટ કરશે. મોદી બાય રોડ આવવાના ન હોવાથી ટ્રાફિકને લઈ કોઈપણ પ્રકારનું ડાઇવર્ઝન આપવામાં આવ્યું નથી, એમ જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...