છેલ્લી ઘડીએ બાજી પલટાઈ:નીતિનભાઈએ ચૂંટણી લડવાની ના પાડતાં 3 વફાદારોને ટિકિટ આપી સાચવી લેવાયા, વિજાપુર અને કડીમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ.!

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં નવોદિત મુકેશ પટેલ, જ્યારે વિજાપુરમાં રમણ પટેલ અને કડીમાં કરશન સોલંકીને રિપીટ કરાયા

પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને 6 ટર્મ ધારાસભ્ય રહેલા નીતિનભાઈ પટેલે પોતે ભલે ચૂંટણી લડવાની ના પાડી, પરંતુ છેક છેલ્લી ઘડીએ તેમના વફાદાર અને અંગત મનાતા મહેસાણા બેઠક પર શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલ, વિજાપુરમાં ધારાસભ્ય રમણલાલ પટેલ અને કડીમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકીને ટિકિટ આપી ભાજપ દ્વારા સાચવી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, વિજાપુર અને કડીમાં ધારાસભ્યની ટિકિટ કપાવાનું કન્ફર્મ મનાતું હતું, પરંતુ છેલ્લી ઘડીએ બાજી પલટાતા બંને ઉમેદવારોને ભાજપે રિપીટ કર્યા છે.

મહેસાણા બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચીને ચૂંટણી લડવાની ના પાડનાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો મહેસાણા જિલ્લાની ટિકિટ વહેચણીમાં ફરી એકવાર દબદબો અને પ્રભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મહેસાણામાં હાઈકમાન્ડ અને પાર્ટી દ્વારા મોટા માથાઓની સાથે નીતિનભાઈને ટિકિટ નહીં આપવાની ચાલી રહેલી અટકળો વચ્ચે સામેથી જ તેમણે ચૂંટણી લડવાની ના પાડતાં તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકાયું હતું અને મહેસાણામાં હવે કોણ ઉમેદવારની ચર્ચાઓ વચ્ચે મહેસાણામાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલને અને વિજાપુર અને કડીમાં જેમની ટિકિટ કપાવવાનું નિશ્ચિતપણે મનાઈ રહ્યું હતું તેવા વર્તમાન ધારાસભ્ય રમણભાઈ પટેલ અને કરસનભાઈ સોલંકીને ગુરુવારે સવારે પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા.

ત્રણેય ઉમેદવારો નીતિન પટેલના અંગત અને વિશ્વાસુ માણસો હોવાથી સાહેબે ભલે ચૂંટણી લડવાની ના પાડી પરંતુ પોતાના વફાદાર માણસોને ટિકિટ અપાવીને શરીરે ભલે પોતાનું કદ નાનું હોય પરંતુ સંગઠન અને પાર્ટીમાં ફરી એકવાર પોતાનું મોટું કદ પ્રસ્થાપિત કર્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ પટેલને નીતિનભાઈનો જ ચહેરો માનવામાં આવી રહ્યો છે. જ્યારે કરશનભાઈ અને રમણલાલ તો તેમના જ માણસ અને ઉમેદવાર છે.

પોતાની ટિકિટ જાહેર થતાંની સાથે જ મુકેશ પટેલ ઉછળીને કૂદી રડી પડ્યા..
મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સવારના 10:30 વાગ્યા છે અને નિત્યક્રમ મુજબ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ પોતાની ચેમ્બરમાં બેઠા છે. તેવામાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલ આવીને તેમની સામેના સોફામાં બેસે છે. શહેર સંગઠનના હોદ્દેદારોની કમલમ ખાતે અવર-જવર ચાલુ છે. પ્રમુખ અને અન્ય હોદ્દેદારો ભાજપના ઉમેદવારોની યાદીની રાહ જોઈને બેઠા છે, તેવામાં પ્રથમ યાદી જાહેર થયા બાદ મુકેશભાઈ અને જશુભાઈ બંને ચર્ચા સાથે પ્રથમ યાદીના ઉમેદવારોના નામ જોઈ રહ્યા છે.

તેવામાં 11:15 વાગ્યાના સુમારે ભાજપની બીજી યાદી જાહેર થઈ હતી અને તેમાં મહેસાણા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે પોતાનું નામ જોઈ મુકેશ પટેલ એકદમ ઉછળીને કૂદયા હતા અને એકદમ લાગણીસભર થઈ રડી પડ્યા હતા. સામે બેઠેલા પ્રમુખ જશુભાઈએ ઉભા થઈને તેમને અભિનંદન પાઠવ્યા હતા, પછી તો પાર્ટી કાર્યાલય ઉપર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોનો અભિનંદન આપવા માટે જમાવડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...