ભાવવધારો:લેબર, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં દોરી અને પતંગના ભાવમાં 20 ટકા વધારો

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરમાં દોરી-પંતગના નાના-મોટા 250થી વધુ સ્ટોલ ખડકાયા
  • ચરખા​​​​​​​ ફરતા થયા, પતંગ અને ફિરકીની છેલ્લી ઘડીએ ઘરાકી જામશે

ઉત્તરાયણ પર્વને હવે 5 દિવસ બાકી રહ્યા છે, ત્યાં મહેસાણા શહેરના તમામ મેઇન રોડની સાઇડોમાં રંગબેરંગી દોરી, પતંગના 250થી વધુ સ્ટોલ ખૂલી ગયા છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દોરી પતંગના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. વેપારી સૂત્રોએ કહ્યું કે, લેબર અને ટ્રાન્સર્પોટેશન મોંઘુ થતાં તેની અસર ભાવ ઉપર પડી છે. રવિવારે રજાના દિવસે પણ બજારમાં ખરીદી માટે ખાસ ભીડ જોવા મળી ન હતી. જોકે, દર વર્ષની જેમ છેલ્લી ઘડીએ ઘરાકી ખૂલવાની આશા વેપારીઓને છે.

મહેસાણાના રાધનપુર રોડ, મોઢેરા રોડ, વિસનગર લીંક રોડ, ટીબી રોડ, બીકે રોડ સહિતના વિસ્તારોમાં દોરી પતંગના સ્ટોલ, લારીઓ ખડકાઇ છે. જેમાં કેટલીક જગ્યાએ દોરી પીવડાવતા ચરખા સાંજ સુધી ફરતા હતા. હોલસેલ વેપારી રફીક ઘાંચીએ કહ્યું કે, ગત વર્ષે રૂ. 450ના ભાવની 6 તારની 5000 વાર કાચી દોરી રીલના આ વર્ષે રૂ.550 થયા છે. 5000 વાર 9 તારની દોરીના ભાવ રૂ.550થી વધીને રૂ. 650 થયા છે. આજ રીતે 2500 નંગ ચીલ પતંગનું બંડલ ગત વર્ષે રૂ. 2500માં મળતું, જે આ વર્ષે રૂ.3500ના ભાવે મળે છે.

બરેલીમાં પણ દોરીના ભાવ વધ્યા છે. કંપની પ્રોડક્શનમાં દોરીનો ઓછો સ્ટોક આવતો હોઇ મર્યાદિત ઉત્પાદનના કારણે ભાવ વધ્યા છે. આવામાં મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થતાં ગ્રાહક સુધી દોરી પતંગ પહોંચતાં 20 ટકા મોંઘાં પડશે.

અન્ય સમાચારો પણ છે...