ધરપકડ:જમીન કાૈભાંડમાં તુષાર ઉર્ફે વિપુલ મહાલક્ષ્મીની ધરપકડ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિપુલ શાહ,સોમાભાઇ પ્રજાપતિ ,છનાજી ઠાકોર - Divya Bhaskar
વિપુલ શાહ,સોમાભાઇ પ્રજાપતિ ,છનાજી ઠાકોર
  • લાંઘણજ પોલીસ મથકમાં 2018માં નોંધાયેલી જમીન કૌભાંડની ફરિયાદમાં LCBએ 3ને દબોચ્યા
  • લાંઘણજ પોલીસ મથકમાં 2, મહેસાણા એ ડિવિઝન અને મહેસાણા તાલુકા પોલીસ મથકમાં 1-1 ગુનો નોંધાયો'તો

બાલિયાસણ ગામના જમીન કાૈભાંડ મામલે ચારેક વર્ષ પહેલાં લાંઘણજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની તપાસ મહેસાણા એલસીબીને સોંપાયા બાદ 14 દિવસમાં મુખ્ય આરોપી તુષાર ઉર્ફે વિપુલ શાહ (મહાલક્ષ્મી) સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરાઇ છે. વિપુલ શાહ વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકમાં 2, મહેસાણા એ ડિવિઝન અને તાલુકા પોલીસ મથકમાં 1-1 ગુનો નોંધાયો હતો.

વર્ષ 2018માં લાંઘણજ પોલીસ મથકે મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીનના મૂળ માલિક સાથે ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આ મામલાની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. એલસીબી એએસઆઇ પારખાનજી અને આશાબેનની બાતમીના આધારે પીએસઆઇ એ.કે. વાઘેલાએ આ કેસના મુખ્ય આરોપી શાહ તુષાર ઉર્ફે વિપુલ મહેન્દ્રભાઇ (રહે. ગૌતમનગર, મહેસાણા) શનિવારે મહેસાણા આવતાં ઝડપી પાડ્યો હતો.

લોકચર્ચા મુજબ વિપુલ શાહ અગાઉ એક રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોઇ તેને એક નિગમના ડિરેક્ટર તરીકે પણ વરણી કરાઇ હતી. આ સાથે વિપુલ શાહ નવરાત્રી સહિતના આયોજનોમાં પણ સક્રિય હતો.

બીજા એક આરોપીને પોલીસે મતદાર યાદી પરથી ઓળખ્યો
એલસીબીએ મુખ્ય આરોપી ઉપરાંત ગત 29 મેના રોજ રાત્રે 8.30 કલાકે પ્રજાપતિ સોમાભાઇ શંભુભાઇને નાગલપુર ખાતેના તેમના ઘરેથી ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજો આરોપી ઠાકોર છનાજી વિરાજીનું સરનામું ન હોઇ પોલીસે તેને શોધી કાઢવા મતદાર યાદીની મદદ લેતાં તે રામપુરા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે તેને 2 જૂનના રોજ સાંજે 5 કલાકે ભાકડીયા ગામથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા ત્રણેય આરોપીને એલસીબીએ લાંઘણજ પોલીસના હવાલે કરતાં આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...