કોંગ્રેસને વધુ એક ઝટકો:અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા જયંતિંભાઈ પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયંતિંભાઈ પટેલ સાબરડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને વર્તમાન ડીરેકટર છે
  • આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ધારણ કરાવ્યો

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના કદાવર અને સહકારીક્ષેત્રે મોટું માથું ગણાતા સાબરડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને વર્તમાનમાં ડીરેકટર જયંતિંભાઈ ભીખાભાઇ પટેલ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ધારણ કરાવ્યો છે.

જયંતિંભાઈ પટેલ 2000થી 2003 સુધી મોડાસા-ધનસુરા તાલુકા વિભાગના સાબરડેરીના ડીરેકટર પદે સૌ પ્રથમવાર ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 2007થી 2010 મેઘરજ તાલુકામાં સાબરડેરી ડીરેકટર તરીકે બીજી ટર્મ માટે ચૂંટાયા હતા.

સાબરડેરી દ્વારા પેનલની રચના કરી ચૂંટણી આવતા 2010થી 2014 મેઘરજ તાલુકામાં ફરી ત્રીજી વાર ડીરેકટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે સમય દરમિયાન તેઓ સાબરડેરીના વાઇસ ચેરમેન તરીકે ત્રણ વર્ષ માટે રહ્યા હતા. 2015થી 2018 જનરલ ચૂંટણી થતા વળી પાછા મેઘરજ તાલુકા વિભાગમાં ડીરેકટર પદે ચૂંટણી જીતી ગયા હતા. જેમાં 2018થી 2020 સુધી વાઇસ ચેરમેન અને વચ્ચે એક માસ માટે સાબરડેરીના ચેરમેન તરીકે રહી 1800 દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરી લોક ચાહના મેળવી સાબરડેરીમાં સતત ડીરેકટર તરીકે ચૂંટાઈ આવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

2021થી હાલ તેઓ ડીરેકટર તરીકે વર્તમાનમાં સેવાઓ આપી મેઘરજ તાલુકાની સંઘ સભાસદ 70 મંડળી તેમજ અન્ય 100 જેટલી મંડળીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આમ 20 વર્ષથી સાબરડેરીના ડીરેકટર તરીકે રહી જિલ્લાના ગામેગામના જાણીતો ચહેરો આજે કોંગ્રેસ સાથે છેડો છોડી ભાજપમાં જોડાઈ ગયા છે.

તેમની સાથે, મોડાસા માર્કેટિંગ યાર્ડના ડીરેકટર મહેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના માજી ચેરમેન મેઘરજ તાલુકાના રોયણિયા ગામના મણીભાઈ સુફરાભાઈ પાંડોર, મેઘરજ તાલુકાની વાસણા ગ્રામપંચાયતના સરપંચ, મોડાસા તાલુકાની વોલવા ગ્રામપંચાયતના સરપંચ દિનેશભાઇ પટેલ, ભેરૂડા ગ્રામપંચાયતના સરપંચ કમલેશભાઈ પટેલ, કોલીખડ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ માજી સરપંચ સમીરભાઈ પટેલ, મોડાસા તાલુકા સંઘના ડીરેકટર પૂજાભાઈ પટેલ, મોડાસા તાલુકા પંચાયતના બે માજી સદસ્યો કમલેશભાઈ પટેલ અને રાજુભાઇ મકનાભાઈ પટેલ સહિતના 100થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.

આવનાર 2022ની વિધાનસભા ચૂંટણીમાં મોડાસા અને ભિલોડા વિધાનસભા સીટ પર ભાજપને મોટો ફાયદો થશે તેવું ચોક્કસપણે માની શકાય તેમ છે. અરવલ્લી જિલ્લામાં હાલ ત્રણે સીટ કોંગ્રેસના પાસે છે તે ભવિષ્યમાં એકપણ સીટ નહીં જીતે તેવા હાલ સંજોગો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...