વ્યવસ્થા કરવા માંગ:મહેસાણા પાલિકામાં કોવિડ સહાયનાં ફોર્મ માટે અરજદારોને ઝેરોક્ષ સેન્ટરે ધકેલાય છે

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન્મ-મરણ શાખામાં જ પરિશિષ્ટ-1 મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ
  • મોતનું કારણ દર્શાવતા એમસીસીડીની નકલ માટે 60 અરજીઓ મળી

મહેસાણામાં કોવિડ મૃત્યુ સહાય માટે ફોર્મ ભરવાની અને જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા પ્રક્રિયા શરૂ કરાઇ હોઇ કોરોનાના કારણે મોત થયું હોય પણ મરણના દાખલામાં તેનો ઉલ્લેખ ન હોય એબવા મૃતકના સંબંધી અરજદારોનો નગરપાલિકામાં એમસીસીડીની નકલ મેળવવા પરિશિષ્ટ-1 ફોર્મ ભરી જમા કરાવવા ધસારો વધી રહ્યો છે.જોકે,આ પરિશિષ્ટ-1 ફોર્મની નકલ જન્મ-મરણ શાખાએથી જ અરજદારોને મળી રહે તેવી વ્યવસ્થાના અભાવે અરજદારોને બહાર ઝેરોક્ષ સેન્ટરથી મેળવી જમા કરાવવા સુચવ્યું છે.

મોતનું કારણ દર્શાવતું પ્રમાણપત્ર એમસીસીડી મેળવવા અરજદાર સાદા કાગળમાં પણ અરજી કરી શકે છે.જોકે, તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પરિશિષ્ટ-1માં શું વિગત દર્શાવવાની છે તે સ્પષ્ટ હોઇ અરજદારો આ ફોર્મ ભરી પાલિકામાં જમા કરાવે છે. જિલ્લા ડિઝાસ્ટર કચેરીએ આવતા અરજદારોને પરિશિષ્ટ-1 મળી રહે છે, પણ પાલિકાઓને સૂચના છતાં પાલિકાની શાખાના બદલે અરજદારોને ઝેરોક્ષ સેન્ટરથી પરિશિષ્ટની કોપી મેળવવી પડી રહી છે.

10થી વધુને એમસીસીડીની નકલ ઇસ્યુ, 60થી વધુ અરજીઓ મળી
પાલિકાની જન્મ-મરણ શાખામાં કોવિડ મોત સહાય માટે જરૂરી ફોર્મ ભરી આપવા અરજદારોનો ધસારો વધ્યો છે. અહીં હોસ્પિટલોથી આવેલ એમસીસીડીની નકલ શાખા કર્મી મૃત્યુ નોંધની એન્ટ્રી વગેરે ચકાસીને ઇસ્યુ કરે છે. જન્મ-મરણ શાખામાં એમસીસીડી માટેના ફોર્મ સ્વીકારવા અલગથી ટેબલ અને એમસીસીડીની કોપી કાઢવા અલગથી ઝેરોક્ષ મશીનની વ્યવસ્થા કરાઇ છે. જ્યાં આવેલા ફોર્મની વિગતો આધારે રેકર્ડમાંથી એમસીસીડી ફોર્મની નકલ શોધી અરજદારને કાઢી આપવાની કામગીરી કરાય છે.

કોવિડ કામગીરી માટે ડિઝાસ્ટરમાં સ્ટાફ મુકો
કોવિડ મૃત્યુ સહાયની સરકારે જાહેરાત કર્યા પછી ડોક્યુમેન્ટ સાથે અરજીઓ જિલ્લા ડિઝાસ્ટર કચેરીએ સ્વીકારાઈ રહી છે. જ્યારે મોતનું કારણ અપ્રાપ્ય દર્શાવતાં એમસીસીડી ફોર્મ સાથેની અરજીઓ આરોગ્ય અધિકારી કચેરીએ સ્વીકારાઈ રહી છે.જેમાં ડિઝાસ્ટર કચેરી ખાતે અરજદારો તરફથી ડોક્યુમેન્ટ સાથે ભરાઇને આવતી અરજીઓનું રજીસ્ટ્રેશન, ચકાસણી, સહાય ચૂકવવા માટેની કામગીરીમાં વધુ સ્ટાફની જરૂરિયાત ઊભી થયાનું સૂત્રોએ જણાવ્યું હતું.કોવિડ મૃત્યુ સહાય માટે તમામ ડોક્યુમેન્ટ સાથે અરજીના 30 દિવસમાં સહાયની કામગીરી પૂર્ણ કરવા સૂચવાયું છે,ઝડપથી કામગીરી માટે જિલ્લા ડિઝાસ્ટરમાં તલાટી, ક્લાર્ક, આરોગ્ય કર્મીનો વધુ સ્ટાફ મૂકાવો પડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...