અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી:મહેસાણાનો વધુ એક યુવક કબૂતરબાજોની ચુંગાલમાં ફસાયો, પરિવાર પાસેથી એજન્ટોએ 50 લાખ રૂપિયા પડાવ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકા જવાની લ્હાયમાં મહેસાણામાં વધુ એક યુવક જોડે છેતરપિંડી થઈ છે. મહેસાણા તાલુકામાં આવેલા લીંચ ગામના યુવકને અમેરિકા મોકલવાની લાલચ આપી અમદાવાદના એજન્ટોએ લાખો રૂપિયા પરિવાર પાસેથી ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલમાં અમદાવાદના એજન્ટોએ 50 લાખ રૂપિયા યુવકના પરિવાર પાસેથી પડાવી લઈ છેતરપિંડી આચરી હોવાની ઘટના લાંઘણજ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.

અમેરિકા મોકલવા મામલે 50 લાખની છેતરપિંડી
મહેસાણા તાલુકામાં આવેલા લીંચ ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા દિનેશ પટેલે લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, તેઓના દીકરાને અમેરિકા મોકલવા માટે અમદાવાદના પટેલ જિનલ રાજેન્દ્રભાઈ અને વ્યાસ કલ્પેશ કુમાર સાથે 50 લાખ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી. 6 જૂન 2021થી આજદિન સુધી ફરિયાદીના દીકરાને અમેરિકા ન મોકલી કુલ 50 લાખની છેતરપિંડી આચરી હતી. તેમજ બાદમાં આરોપીઓએ ફરિયાદીને 50 લાખમાંથી માત્ર 5 લાખ જ પરત કર્યા હતા.

દુબઈમાંથી યુવકે પિતાને સમગ્ર મામલે જાણ કરી
આરોપીઓએ ફરિયાદીના દીકરાના દુબઈ સુધીના વિઝા કરાવી દીધા હતા. જોકે બાદમાં આગળ જવાનો મોકો ન મળતા ફરિયાદીના દીકરાને દુબઈમાં ત્રણ માસના વિઝા કરાવી દીધા. બાદ ત્યાં દોઢ માસ સુધી રાખ્યો હતો. બાદમાં ફરિયાદીના દીકરાએ દુબઈથી પોતાના પિતાને ફોન કરી જાણ કરી હતી કે મને અહીંયાંથી લઈ જાઓ. બાદમાં મહેસાણામાં રહેતા પરિવારે દુબઈમાં દંડ ભર્યા બાદ પોતાના દીકરાને મહેસાણા પરત લાવ્યા હતા.

એજન્ટોને ઝડપવા પોલીસે તપાસ ચાલુ કરી
સમગ્ર છેતરપિંડી મામલે લીંચ ગામના દિનેશ કુમાર પટેલે અમદાવાદ ખાતે રહેતા એજન્ટ પટેલ જિનલ રાજેન્દ્રભાઈ અને કલ્પેશ વ્યાસ સામે લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, તેમજ આ કેસમાં પી.એસ.આઈ. એસ.બી.ઝાલાએ વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...