હેરિટેજ ટુરિઝમ:સરકારની હેરિટેજ પૉલિસીની જાહેરાત, મહેસાણાના ઐતિહાસિક રાજમહેલને મ્યુઝિયમ બનાવવાની રજૂઆત રાજ્યકક્ષાએ પેન્ડિંગ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષથી બિન ઉપયોગી હાલતમાં છે આ ઇમારત
  • એક સમયે અહીં કલેક્ટર કચેરી અને છેલ્લે જિલ્લા કોર્ટ બેસતી હતી, 3 વર્ષથી રાજમહેલ ખાલીખમ પડ્યો છે

રાજમહેલના 3 ફ્લોર પર નાના-મોટા 130 રૂમો છે
રાજ્યની ઐતિહાસિક અનેક પ્રાચીન ઈમારતોને હેરિટેજ હોટલ, મ્યુઝિયમ અને રેસ્ટોરન્ટમાં પરિવર્તીત કરવા અને હેરિટેજ ટુરિઝમની પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ હેરિટેજ પૉલિસી જાહેર કરાઇ છે. જેમાં 1લી જાન્યુઆરી 1950 પહેલાં બનેલી ઇમારતોમાં હેરિટેજ હોટલ કે મ્યુઝિયમ બનાવી શકાશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.45 લાખથી 10 કરોડ સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે.

ત્યારે મહેસાણા શહેરની મધ્યમાં આવેલા અને છેલ્લા 3 વર્ષથી લગભગ બિન ઉપયોગી હાલતમાં પડેલા ઐતિહાસિક રાજમહેલને પણ હેરિટેજ હોટેલ કે મ્યુઝિયમમાં તબદીલ કરવામાં આવે તો પ્રવાસીઓ માટે જવું નજરાણું બની શકે તેમ છે. નવી પેઢી રાજમહેલ થકી ઇતિહાસને જાણી શકે તે માટે કલેક્ટર એચ.કે.પટેલે રાજમહેલને મ્યુઝિયમ બનાવવા રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરી છે.

રાજમહેલનો વૈભવ

  • ઇ.સ.1904માં 30322.64 ચો.ફૂટમાં બંધાયો છે.
  • 3 ફ્લોરમાં 130 રૂમો છે
  • ગ્રાઉન્ડ ફ્લોર પર 70 રૂમો છે
  • પ્રથમ માળે 55 રૂમો છે
  • બીજા માળે 05 રૂમો છે
  • એક મુખ્ય ગોળાકાર ઘુમ્મટ,8 નાના ગોળાકાર અને 8 પિરામિડ આકારના મળી કુલ 17 ઘુમ્મટ

છપ્પનિયા કાળમાં રૈયતને મદદરૂપ થવા બનાવ્યો'તો
ગાયકવાડી રાજ્યાસન દરમિયાન ઉત્તર ગુજરાતનું વડુમથક પહેલાં પાટણ, પછી કડી અને ત્યાર બાદ મહેસાણાને બનાવાયું હતું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડે છપ્પનીયા કાળમાં રૈયતને મદદરૂપ થવા રાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. ઇ.સ.1904માં રાજમહેલ તૈયાર થતાં ઉ.ગુ.નું વડુમથક મહેસાણા બન્યું હતું.1960માં મહેસાણાને જિલ્લો ઘોષિત કરતાં રાજમહેલમાં ટોકન ભાડે કલેક્ટર કચેરીમાં રૂપાંતરિત કરાયો હતો. ત્યારબાદ અલાયદી કલેક્ટર કચેરી તૈયાર થતાં રાજમહેલમાં જિલ્લા કોર્ટનું કામકાજ શરૂ થયું હતું. જોકે, ત્રણેક વર્ષ પહેલાં કોર્ટ પોતાની બિલ્ડીંગમાં જતાં ત્યારથી રાજમહેલ બિનઉપયોગી બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...