પોલીસ કર્મીઓમાં રોષની લાગણી:જીપીએસસીની ખાતાકીય પીએસઆઈની ભરતી પ્રક્રિયા અભરાઈએ ચઢાવી દેતાં રોષ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 576 જગ્યા માટે વર્ષ 2018માં જાહેરાત પાડી 4500 કર્મીઓની પરીક્ષા લીધી હતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(જીપીએસસી)એ ખાતાકીય પીએસઆઈ (મોડ-02) ની 576 જગ્યા ભરવા શરૂ કરેલી ભરતી પ્રક્રિયા કોરોનાનું બહાનું કાઢીને બે વર્ષથી અભરાઈએ ચઢાવી દેતાં ઉત્તીર્ણ થયેલા 3 હજાર પોલીસ કર્મીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

જીપીએસસીએ પીએસઆઈની 576 જગ્યા ભરવા ડિસેમ્બર-2012માં જાહેરાત બહાર પાડીને ભરતી શરૂ કરી હતી. પોલીસમાં 15 વર્ષથી ફરજ બજાવતા 4500 કર્મીઓએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2019માં શારીરિક કસોટીમાં 3 હજાર કર્મચારીઓ ઉત્તિર્ણ પણ થયા હતા. બઢતી મળે તો બાકીની નોકરીના 10 થી 15 વર્ષ પોતાને પ્રમોશનનો લાભ મળે અને નિવૃત્ત થાય તો પોતે પીઆઈના હોદ્દા સુધી પહોંચી શકે તેવી આશા ઉપર હાલમાં જીપીએસસીએ પાણી ફેરવી દીધુ છે.

આ છે સમગ્ર મામલો
વર્ષ 2017માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાતાકીય પીએસઆઈની ભરતી પ્રક્રિયા અંતર્ગત નાપાસ થયેલાં કેટલાક ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળની પેપર ચકાસણીમાં ભૂલો ધ્યાને લાવીને હાઈકોર્ટમાં અરજી કરતાં હાઈકોર્ટની તપાસમાં GPSCની ગંભીર ભૂલો બહાર આવતાં હાઈકોર્ટે ગૌણ સેવા પસંદગી મંડળની ટીકા કરીને ફરીથી પેપર ચકાસણી કરવાનો હુકમ કરતાં પરિણામમાં ઘણા ફેરફારો થયા હતા.

દ્વેષભાવથી ભરતી પ્રક્રિયા અટકાવી હોવાનું તારણ
એક પોલીસ કર્મીએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલો મામલે કર્મચારીઓએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળની ગંભીર ભૂલો બહાર આવી હતી. તેનો દ્વેષભાવ રાખી કોરોનાનું બહાનુ કાઢી બદલો લેવાની ભાવનાથી ભરતી પ્રક્રિયા અટકાવી છે.

મોડ-02 ભરતી પ્રક્રિયા અટકાવી મોડ-04 ની જાહેરાત પાડી
તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા ખાતાકીય પીએસઆઈ (મોડ-04)ની 677 જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ કરાઈ છે. જો કે, તે પદ 11 મહિના કરાર આધારિત હોવાથી 11 માસ બાદ પાછા જે તે હોદ્દા ઉપર ઉતારી દેવાની જોગવાઈ કરાઈ છે. તેથી પોલીસ કર્મચારીઓને પોતાનું સ્વમાન ગુમાવવું પડે તેમ હોઈ પોલીસ કર્મચારીઓ પીએસઆઈ (મોડ-04) નું પદ સ્વીકારવા તૈયાર નથી. તેવા સમયે પીએસઆઈની જગ્યાઓ ખાલી હોય તો અટકી ગયેલી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરાય તેવી માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...