તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી ઓળખ:આંગણવાડીનાં બાળકો પણ હવે યુનિફોર્મમાં, સરકાર દ્વારા જિલ્લાનાં 60,123 ભૂલકાંને ગણવેશ વિતરણ કરાયાં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુપોષણ નાબૂદી માટે બાળકો બહારનું ખાવાનું ટાળે તેનું વાલીઓ ધ્યાન રાખે : કલેક્ટર

રાજ્યભરની 53,029 આંગણવાડીઓના 14 લાખ નાનાં ભૂલકાંઓ હવે એક જ યુનિફોર્મમાં જોવા મળશે. જેમાં બાળકને ક્રિમ શર્ટ અને બ્રાઉન ચડ્ડી તેમજ બાળકીને પિનફ્રોકની બે જોડી અપાશે. સરકારની આ પહેલથી આંગણવાડીનાં ભૂલકાંને આગળી ઓળખ મળશે. મહેસાણા જિલ્લાની 1920 જેટલી આંગણવાડીનાં 3 થી 6 વર્ષનાં 60 હજાર જેટલાં ભૂલકાંને 1.20 લાખ જેટલા ગણવેશ અપાશે. મંગળવારે કલેકટર કચેરી ખાતે કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, કુપોષણની સ્થિતિમાં સુધારો થાય તે માટે તંત્ર પ્રયત્નશીલ છે. જિલ્લામાં કુપોષણ નાબૂદી માટે વાલીઓને બાળકો બહારનું ખાવાનું ટાળે તે માટે જાગૃત થવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે જણાવ્યું કે, કુપોષણ મુદ્દે જિલ્લાની સ્થિતિ સારી છે. જિલ્લામાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે તંત્ર હંમેશાં પ્રયત્નશીલ રહ્યું છે. જિલ્લો બેટી બચાવો, બેટી પઢાવો, સુપોષણયુક્ત જિલ્લો સહિત વિવિધ સામાજિક અભિયાનોમાં અગ્રેસર રહ્યો છે. કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત બાળકો દ્વારા કરાયેલા સર્જનાત્મક કાર્યની ફોટોપ્રેમ દ્વારા કરાયું હતું.

મહેસાણા જિલ્લાનાં તમામ આંગણવાડી કેન્દ્રો 100 ટકા શૌચાલય, 100 ટકા વીજળીકરણ, 100 ટકા પાણી જોડાણ અને 100 ટકા ગેસ જોડાણ ધરાવે છે. તો 1900 પૈકી 1805 આંગણવાડી સરકારી મકાન ધરાવે છે. મહેસાણા ખાતે નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, મહિલા-બાળ વિકાસ સમિતિનાં ચેરમેન સહિત આઇસીડીએસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...