મહેસાણા શહેરમાં માનવ આશ્રમ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરની સગવડ ના હોઇ લોકોને પોલીસ હેડ ક્વાર્ટર સુધી લાંબા થવું પડી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવા વિસનગર લીંક રોડ પર ઉમિયા ધામ ટાંકી પાસે જગ્યા નક્કી કરાઇ છે. બુધવારે સિટી મામલતદારે સ્થળ મુલાકાત કરી છે. જિલ્લા કલેક્ટરરાહે જગ્યા ફાળવણી બાદ અર્બન હેલ્થ સેન્ટર બનતાં વિસ્તારના 25 હજાર લોકોને નજીકમાં જ આરોગ્યને લગતી સુવિધા મળતી થશે.
માનવ આશ્રમ નજીક ચિરાગ પ્લાઝામાં ચારેક વર્ષ પહેલાં ભાડાના મકાનમાં અર્બન હેલ્થ સેન્ટર ચાલતું હતું. જે બાદમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં શિફ્ટ કરી દેવાયું હતું. વોર્ડ નં.3ના કોર્પોરેટર દીપકભાઇ પટેલે માનવ આશ્રમ વિસ્તારમાં કાયમી અર્બન હેલ્થ સેન્ટર બનાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં ડીઆઇએલઆર મારફતે 375 મીટર જગ્યા ફાળવાઇ હતી, પરંતુ ત્યાં પાલિકાની પાણીની ટાંકી હોઇ 500 મીટર જગ્યા ફાળવવા ફરી માંગણી કરાઇ હતી. જેમાં કલેક્ટર દ્વારા વિસનગર લીંક રોડ પર ઉમિયાધામ ટાંકી પાસેની જગ્યાએ સ્થળ ચકાસણી કરી અભિપ્રાય મોકલવા મામલતદારને આદેશ કરાયો હતો.
બુધવારે સિટી મામલતદાર ભગીરથભાઇ વાળા અને નાયબ મામલતદાર મુકેશ પંચાલે કોર્પોરેટર દિપક પટેલ તેમજ નિરંજન ચાવડા, વિષ્ણુ પટેલ, દિપક ચૌધરી વગેરેની હાજરીમાં સ્થળની ચકાસણી કરી હતી અને અર્બન હેલ્થ સેન્ટર બનાવી શકાય તેમજ આવન જાવન કરી શકાય તેવી ખુલ્લી જગ્યા હોવાનું જણાયું હતું. આ અંગે મામલતદાર કચેરીના સૂત્રોએ કહ્યું કે, સીડીએચઓથી જગ્યા માટે દરખાસ્ત હોઇ જિલ્લા કલેક્ટર દ્વારા અભિપ્રાય મગાવાતાં સ્થળ ચકાસણી કરાઇ છે, જેનો અભિપ્રાય કલેક્ટર કચેરીને મોકલી અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.