વિકાસ:મહેસાણામાં રૂ.13.60 કરોડમાં નાગલપુર તળાવને સુંદર બનાવવા સાથે એરિયામાં ઓક્સિજન પાર્ક બનાવાશે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી 1માં પરા તળાવની જેમ હવે સિટી 2માં પિકનિક પોઇન્ટ તરીકે ડેવલપ કરવા પ્રક્રિયા શરૂ

કેન્દ્ર સરકારના અમૃત સરોવર પ્રોજેક્ટમાં મહેસાણા પાલિકાને રૂ. 11.50 કરોડ ગ્રાન્ટ ફાળવાતાં તંત્ર દ્વારા તાબડતોબ સિટી 2 વિસ્તારમાં નાગલપુરના તળાવ બ્યુટિફિકેશનનો ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને રૂ. 13.60 કરોડના ખર્ચે તળાવ ડેવલપ કરવા પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ તળાવ એરિયામાં ઓક્સિજન પાર્ક પણ બનાવાશે.

હવે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં મંજૂરી મળ્યે વહીવટી અને તાંત્રિક મંજૂરી સાથે નગરપાલિકા તળાવ ડેવલપ કરવાની કામગીરી આરંભે. પાલિકા ઉપપ્રમુખ અને વોર્ડના કોર્પોરેટર કાનજીભાઇ દેસાઇએ કહ્યુ કે નાગલપુર તળાવને અમૃત સરોવર પ્રોજેક્ટમાં ડેવલપ કરવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરાઇ છે. શહેરમાં કોઇ જગ્યાએ ઓક્સિજનપાર્ક ન હોઇ નાગલપુર તળાવ ખાતે ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન કરાયું છે. સવારે શહેરીજનો વોકિંગ કરી શકે અને શુધ્ધ હવા સાથે લીલોતરીસભર વાતાવરણ મળી રહે તે માટે વૃક્ષો વાવી ઉછેર કરવામાં આવશે.

સિટી 2માં નાગલપુરમાં અત્યાર સુધી ગટરના ગંદા પાણીથી ભરાયેલા રહેતા તળાવને પિકનિક પોઇન્ટ તરીકે ડેવલપ કરવા માટેનો પ્રોજેક્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. હાલ જીયુડીસી દ્વારા ડ્રેનેજના પાણીનો શુધ્ધીકરણનો પ્લાન્ટ તૈયારીના આરે છે. ત્યારે નાગલપુર તળાવમાં હવે ગંદા પાણીનો કાયમી નિકાલ થવાની પણ વ્યવસ્થા આ સાથે આકાર પામશે. અમૃત સરોવર પ્રોજેક્ટમાં ડી.પી.આર તૈયાર કરીને દરખાસ્ત કરાઇ છે. જેમાં નીલકંઠ મહાદેવ મંદિર સામે આવેલ નાગલપુર તળાવ ફરવાલાયક સ્થળ બની રહે તે રીતે સુશોભિત અને ગ્રીનરી કરવામાં આવશે.

વોર્ડ 8માં નાગલપુર તળાવના 1000 મીટર પેરાફીટ એરિયામાં બ્યુટીફિકેશન કરવામાં આવશે. તળાવ ફરતે કમ્પાઉન્ડ વોલ, પથ્થર પિચીંગ, ગાર્ડન, રમતગમતના સાધનો, કસરતના સાધનો મૂકી તળાવ સંકુલ હરિયાળું બનાવવાનું પ્રોજેક્ટમાં આવરી લેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...