મન્ડે પોઝિટિવ:સમાજમાં છૂટાછેડા અટકાવવા આદર્શ લગ્ન વ્યવસ્થા ઊભી કરાશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની બેઠકમાં આદર્શ કુટુંબથી આદર્શ સમાજ રચના અંગે ચિંતન કરાયું
  • દીકરીના લગ્નના નિર્ણય જ આદર્શ રીતે લેવાય તેવું આયોજન કરાશે

મહેસાણામાં રવિવારે અખિલ ભારતીય આંજણા સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો દૂર કરી, વધતા જતાં છૂટાછેડાનું પ્રમાણ ઘટાડવા આદર્શ લગ્ન વ્યવસ્થા ઊભી કરવા તેમજ આદર્શ કુટુંબથી આદર્શ સમાજ કેવી રીતે બને તેના ઉપર ચિંતન કરાયું હતું. બેઠકમાં ગુજરાતના આંજણા સમાજના 45 તાલુકાના 65 ગોળના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમાજના પ્રમુખ વિરજીભાઈ જુડાલે જણાવ્યું કે, સમાજને આગળ લઈ જવો હશે તો કુરિવાજો દૂર કરવા પડશે. શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે.

મહાસભાના પ્રમુખની અધ્યક્ષતામાં વોટરપાર્ક ખાતે મળેલી સમાજની ચિંતન બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ કહ્યું કે, સમાજને પ્રગતિશીલ બનાવવા સમાજની રીતરસમમાં પણ ફેરફાર કરવો જોઈએ. સમાજને દિશા અપાય તો વિકાસ કરી શકે. અત્યારે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, તે સૌથી મોટું જોખમ છે. આપણે દીકરાને વેંટવા માટે દીકરીને ગમે ત્યાં મોકલી દઈએ છીએ.

આથી દીકરી કોઈને વાત કરી શકતી નથી અને આત્મહત્યા તરફ વળે છે. કોઈપણ સમસ્યાનું ચિંતન કરો એટલે એનું સમાધાન મળે. સતત ચિંતન કરવાથી એનો જરૂર ઉકેલ મળે છે. સમાજના વિકાસ માટે સંગઠિત બનવું પડશે. સંગઠનમાં પાવર છે. સામાજિક વ્યવહારો પાછળ થતાં ખોટા ખર્ચ અટકાવવા પડશે. સગવડ ન હોય તો દેખાદેખીમાં જરૂર વિના ખર્ચ ન કરો. પ્રદર્શન પાછળ થતા ખર્ચ રોકવા પડશે.

ગુજરાતના આંજણા સમાજના 45 તાલુકાના 65 ગોળના પ્રતિનિધિઓ, અગ્રણીઓની હાજરીમાં સામાજિક વિકાસ અંગે ચર્ચા
ગુજરાતમાં આંજણા સમાજનાં 65 ગોળ છે. તે એકબીજાના પરિચયમાં આવે તે માટેની બેઠકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિતના જિલ્લામાંથી દરેક ગોળના અગ્રણીઓ,મહિલાઓ હાજર રહી હતી. ગુજરાતના 1254 ગામોમાં 1.15 લાખ કુટુંબો સાથે 6 લાખ જનસંખ્યા ધરાવે છે. બેઠકમાં ખાસ કરીને દીકરીના લગ્નના નિર્ણય જ આદર્શ રીતે લેવાય તેવું આયોજન કરવા પર ભાર મૂકાયો હતો.

સમજણ વધશે એટલે સમાજના પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે
સમાજના અગ્રણી ર્ડા.જી.એન. ચૌધરીએ જણાવ્યું કે, સમજણ વધશે એટલે સમાજના પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે. આદર્શ સમાજ કેવો હોવો જોઈએ. જ્યાં દવાખાનું ઓછું હોય, ક્રિમિનલ કેસ ઓછા હોય, જ્યાં માનસિક તણાવ નથી તે સમાજ આદર્શ સમાજ છે. સમાજનું મૂળ કુટુંબ છે. કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન હોવો જોઈએ. સમાજમાં આદર્શ લગ્ન વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં વધી રહેલ અંધશ્રદ્ધા દૂર કરી વ્યસનમુક્ત સમાજ બનાવવા પર ભાર મૂક્યો હતો. દીકરીના લગ્નના નિર્ણય જ આદર્શ રીતે લેવાય તેવું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...