તેજપુરા ખાતે આવેલી કંપનીમાં કામકાજ બાબતે ઠપકો આપનાર એન્જિનિયરને કંપનીમાં જ કામ કરતા ત્રણ યુવકોએ બેટ અને ચામડાના પટ્ટાથી માર મારી છાતીની પાંસળીઓમાં ફેક્ચર કરી નાખ્યું હતું. ગંભીર ઇજાગ્રસ્ત એન્જિનિયરે આ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ બિહારના અને હાલ મહેસાણાના નાગલપુર ખાતે વિકાસનગર સોસાયટીમાં રહેતા મીન્ટુકુમાર નરેશસિંહ ભૂમિહાર તેજપુરાની સ્ટ્રીપ સ્ટીલ્સ વ્હીલ્સ નામની કંપનીમાં નોકરી કરે છે. શનિવારે મીન્ટુકુમાર નોકરીમાંથી પરત આવી મિત્ર કરુણેશસિંહના ઘરે જમવા માટે ગયો હતો. જમીને બંને બેઠા હતા ત્યારે તેમની કંપનીમાં નોકરી કરતા અમન અને નમન નામના બે યુવકો ત્યાં આવ્યા હતા અને તું અમને કંપનીમાં કામકાજ બાબતે કેમ ઠપકો આપે છે તેમ કહી ચામડાના પટ્ટાથી અને બેટથી માર માર્યો હતો.
એ સમયે તેનું ઉપરાણું લઈને આવેલા આશિષ અને ત્રણેય મિત્રોએ મીન્ટુને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. કરુણેશસિંહ અને આશુતોષ મીન્ટુને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને છાતીમાં પાંસળીઓમાં ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. મીન્ટુકુમારની ફરિયાદ આધારે પોલીસે અમન, નમન અને આશિષ સામે ગુનો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.