ઉમેદવારીપત્રના ભાગોમાં સુધારો:ગ્રા.પં.ની ચૂંટણીમાં સોગંદનામાને બદલે એકરારનામુ કરવાનું રહેશે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ઉમેદવારીપત્રના ભાગોમાં સુધારો કરાયો
  • હવે 9 ટેકેદારોની જરૂર નહીં રહે, માત્ર દરખાસ્ત કરનાર જ જરૂરી

આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ કે સભ્ય તરીકે ઉમેદવારી કરતાં ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત, દેવા, શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્ર સાથે સોગંદનામાના બદલે હવે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકરારનામું કરવાનું રહેશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પંચાયત ચૂંટણીમાં ઉમેદવારીપત્રના ભાગોમાં કરાયેલ સુધારો જિલ્લા ચૂંટણી અધિકારીઓને મોકલી અપાયો હોઇ મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીના અધિકારીઓને ઉમેદવારી પત્રોના ભાગોમાં સુધારો કરી લેવા સરક્યુલર કરાયો છે.

મહેસાણા જિલ્લામાં આગામી ડિસેમ્બરમાં 163 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં સરપંચ અને સભ્ય તરીકે ઉમેદવારી કરતાં ઉમેદવાર દ્વારા ભાગ-8માં દર્શાવેલ નમૂનામાં સોગંદનામાને બદલે એકરારનામું ગુનાહિત ભૂતકાળની વિગતો માટે કરવાનું થાય છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની પ્રક્રિયામાં વહીવટી મુશ્કેલી નિવારવા હેતુસર ઉમેદવારીપત્રના નમૂના-4નો ભાગ-2 ભરવાનો જરૂરી બનતો નથી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરખાસ્ત કરનારની જ જરૂર રહે છે. 9 ટેકેદારોની જરૂર રહેતી નથી.

સરપંચ કે સભ્ય તરીકે ઉમેદવારી કરતાં ઉમેદવાર દ્વારા ભાગ-8ની બીજી લીટીમાં સોગંદનામાને બદલે એકરારનામુ તેમજ ખરાઇ શિર્ષક હેઠળ દર્શાવેલ પ્રથમ લીટીમાં સોગંદનામાને બદલે એકરારનામું સામેલ કરવા સુચવાયું છે. ભાગ-9માં પણ જંગમ મિલકત, દેવા, શૈક્ષણિક લાયકાત બાબતે સોગંદનામાને બદલે એકરારનામુ કરવાનો સુધારા કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...