નોટિસ:મહેસાણામાં લાભાર્થીઓએ 30 હજારનો હપ્તો લીધો છતાં મકાનનો પાયો પણ નંખાયો નથી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારે એડવાન્સ હપ્તા પૉલીસી બંધ કરી હવે પાયો બન્યા પછી હપ્તો ચૂકવાશે
  • 270 લાભાર્થીઓએ મકાનનું કામ શરૂ નહીં કરતાં સહાય રદ કરવા નોટિસો અપાઇ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહેસાણા શહેરમાં બે વર્ષમાં અંદાજે 35 લાભાર્થી એવા નીકળ્યા કે જેમણે એડવાન્સમાં રૂ.30 હજારનો પ્રથમ હપ્તો લઇને પણ મકાનના પાયાનું કામ શરૂ કર્યું નથી. આવા લાભાર્થીઓને મકાનનું કામ ચાલુ કરવું ન હોય તો સરકારમાં પૈસા જમા કરાવવા નોટિસો ફટકારાઇ છે. તો 270 લાભાર્થીઓ એવા છે કે જેમણે મકાનના પાયાનું બાંધકામ ચાલુ જ કર્યું નથી. જેમને પાલિકાએ બાંધકામ ચાલુ કરવા નોટિસો આપી છે. કામ ચાલુ નહીં કરાય તો સહાય રદ કરાશે તેવી ચીમકી આપી છે.

શહેરી વિસ્તારમાં વર્ષે રૂ.ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ રૂ.3.50 લાખની સહાય ઘરનું ઘર બનાવવા માટે અપાય છે. શહેરના શંકરપરા, મગપરા, દેલાવસાહત, કસ્બા સહિત સ્લમ વિસ્તારોમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે તંત્ર કામે લાગ્યું છે. એડવાન્સ હપ્તો ચૂકવ્યા પછી મકાનનો પાયો પણ ન નંખાયો હોય એવા લાભાર્થીની સ્થળ પર પ્રોજેક્ટ ઓફિસરે મુલાકાત લેતાં મોટાભાગે મજૂરી કરી ગુજરાન ચલાવતાં હોઇ પૈસા નથી તેવા જવાબો મળ્યા હતા. સરકારમાં ડિમાન્ડ ફ્રાફ્ટથી રૂ.30 હજાર પરત જમા કરાવો નહીં તો કેસ કરવાની ચીમકી આપ્યાના કિસ્સામાં પણ કેટલાક પૈસા ન હોઇ કેસ કરો સાહેબ એવા જવાબો મળ્યા હોવાનું પ્રોજેક્ટ ઓફિસર દિગ્વિજયસિંહ ચૌહાણે કહ્યું હતું.

પાયા સુધી કામ કર્યું છતાં કેટલાકને હજુ હપ્તો મળ્યો નથી
ગત વર્ષે કોરોનાના કારણે આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયના હપ્તાની ચૂકવણીમાં વિલંબ થયો હતો. મકાનના પાયાનું કામ કર્યા પછી લાભાર્થીના ઘરે જઇ જીયોટેકથી ફોટો ઓનલાઇન એપમાં અપલોડ કર્યા પછી તે લાભાર્થીના ખાતામાં હપ્તાની રકમ જમા અપાય છે. 147 લાભાર્થીએ મકાનનો પાયો બનાવી દીધો છે, પરંતુ તે પૈકી ઘણાને હજુ પ્રથમ હપ્તો 30 દિવસમાં મળવો જોઇએ તે બે-ત્રણ મહિને પણ મળ્યો નથી. આથી પૂછપરછ માટે પાલિકાના ચક્કર લગાવી રહ્યા છે. જોકે, પાલિકા શાખાના સૂત્રોએ કહ્યું કે, એફોર્ડેબલ હાઉસિંગની એજન્સીએથી કેટલા લાભાર્થીને હપ્તા રકમ ચુકવાઇ, કેટલા બાકી તે યાદી નગરપાલિકામાં આવે ત્યારે જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...