તપાસ કરવા રજૂઆત:મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકમાં કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રજિસ્ટ્રારને કોર્પોરેટર અમિત પટેલની રજૂઆત
  • ખાનગી એજન્સી રાહે પરીક્ષા, કમિટી દ્વારા ઇન્ટરવ્યૂ બાદ ભરતી કરાઇ છે
  • આક્ષેપો પાયાવિહોણા છે : બેંક ચેરમેન

મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપ. બેંકમાં તાજેતરમાં જુદી જુદી જગ્યાઓ ઉપર કર્મચારીઓની કરાયેલી ભરતીમાં ગેરરીતિ થયા અંગે 14 મુદ્દા ટાંકીને જિલ્લા રજિસ્ટ્રારને સંબોધી કોર્પોરેટર અમિત પટેલ દ્વારા રજૂઆત કરાઇ છે. જેમાં એડ્યુટેસ્ટ પ્રા.લી. જીબીઆર કોર્પોરેટ હાઉસ અમદાવાદની એજન્સી મારફતે ઉમેદવારોની પરીક્ષા લઇ આ પ્રક્રિયાથી માંડીને નિયુક્તિ સુધીમાં ગેરરીતિઓ થઇ હોઇ આ ભરતી સ્થગિત કરી તપાસ કરવા રજૂઆત કરાઇ છે.

જેમાં કેટલાકના સંબંધીઓની ભરતી થયાનો આક્ષેપ પણ કરાયો છે. જોકે, આ અંગે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઇ પટેલે કહ્યું કે, બેંક દ્વારા પારદર્શક રીતે ખાનગી એજન્સીરાહે ઉમેદવારોની પરીક્ષા તેમજ કમિટી દ્વારા ઇન્ટરવ્યૂ બાદ ભરતી કરાઇ છે. આક્ષેપો પાયાવિહોણા છે. બેંકના 115 વર્ષમાં પ્રથમવાર પરીક્ષા યોજી ભરતી કરાઇ છે.

નાબાર્ડના ઓડિટ રિપોર્ટમાં પણ સ્ટાફ ભરવા સુચવાયું છે, વધુ જગ્યાની જરૂરિયાતો હોઇ ભરતી પારદર્શક રીતે કરાઇ છે. આ એજન્સી દ્વારા અગાઉ ઘણી પરીક્ષાઓ લેવામાં આવી છે અને પરીક્ષા, ઇન્ટરવ્યૂ મેરિટમાં આવતા ઉમેદવારોની ભરતી કરાઇ છે. જ્યારે જિલ્લા રજીસ્ટ્રાર નિમેષ પટેલે કહ્યું કે, બેંકમાં ભરતી બાબતે ગેરરીતિ અંગેની કોઇ રજૂઆત હજુ સુધી મારા ધ્યાને નથી, આવી કોઇ રજૂઆત મને મળી નથી.

અન્ય સમાચારો પણ છે...