પેટા ચૂંટણી:મહેસાણાના વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણીમાં 47.57 % મતદાન થયું

મહેસાણા17 દિવસ પહેલા
  • મંગળવારે મત ગણતરી |મહેસાણા પાલિકાના વોર્ડ નં.11માં 47.57 ટકા અને વડનગર પાલિકાના વોર્ડ નં.7માં 35.79 ટકા નિરસ મતદાન
  • તા.પં.ની રાણપુર બેઠકમાં 81.60 %, વડસ્મા બેઠક પર 57.64 % મતદાન, કુલ 11 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ

જિલ્લામાં ખાલી પડેલી નગર પાલિકાની 2 અને તાલુકા પંચાયતની 2 મળી કુલ 4 બેઠકો માટે રવિવારે યોજાયેલી પેટાચૂંટણીમાં સરેરાશ 55.65 ટકા મતદાન થયું હતું. જેમાં મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.11માં 47.57 ટકા અને વડનગર પાલિકાના વોર્ડ નં.7માં 35.79 ટકા મતદાન થયું હતું. જ્યારે સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠકની ચૂંટણીમાં 81.60 ટકા અને મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠકમાં 57.64 ટકા મતદાન નોંધાયું હતું.

આ સાથે વડનગર પાલિકામાં બે ઉમેદવારો તેમજ મહેસાણા પાલિકા અને સતલાસણા તેમજ મહેસાણા તાલુકા પંચાયતની એક-એક બેઠકના ત્રણ-ત્રણ ઉમેદવારો મળી કુલ 11 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. જેની મત ગણતરી મંગળવારે તાલુકા મથકે હાથ ધરાશે. જિલ્લા ચૂંટણી વિભાગના સૂત્રોએ કહ્યું કે, મતદાન દરમિયાન કોઇ ફરિયાદ મળી નથી, શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું છે. ઇવીએમ પોલીસ બંદોબસ્ત સાથે સાંજે રિ-સિવિંગ સેન્ટરના સ્ટ્રોંગરૂમમાં મૂકાયા હતા.

વોર્ડ નં 11માં મતદાન દરમિયાન પરા વિસ્તારમાં આવેલ પરા સ્કૂલ ખાતે આવેલ મતદાન મથક પર ઠાકોર જસવત સિંગ વજેસિંગ ઠાકોર નામના મતદાર સવારે 10 કલાકે મતદાન મથકે મત આપવા ગયા ત્યારે ત્યાં તેઓ ને જાણવા મળ્યું કે, તેમનો મત અપાઈ ગયો છે. જોકે વાસ્તવિકતા માં આ મતદારે કોઈ મત આપ્યો નથી. એવા પણ આક્ષેપ તેઓ કર્યા હતાં. બાદમાં તપસ કરતા તેઓને જાણવા મળ્યું હતું કે, તેઓના આધાર નંબર અલગ હતા તેમજ તેમના નામની સહી અન્ય કોઈ વ્યક્તિ કરીને મત આપી ગયા હોવાનું મતદારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

મહેસાણા પાલિકા વોર્ડ નં.11 : 50.04 ટકા પુરુષ, 44.88 ટકા સ્ત્રી મતદાન
મહેસાણા પાલિકાના વોર્ડ નં.11ની એક બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનાં ફાલ્ગુનીબેન પટેલ, કોંગ્રેસનાં શિલ્પાબેન ઠાકોર અને આપનાં ભાવનાબેન પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. જેમાં પુરુષ 6892 અને સ્ત્રી 6350 મળી કુલ 13,242 મતદારો પૈકી પુરુષ 3449 અને સ્ત્રી 2850 મળી કુલ 6299 મતદારોએ મતદાન કરતાં 47.57 ટકા નોંધાયું હતું. જેમાં પુરુષ 50.04 ટકા અને સ્ત્રી 44.88 ટકા મતદાન નોંધાયું છે. મંગળવારે સવારે 9 વાગ્યાથી મહેસાણા સિવિક સેન્ટર હોલ ખાતે મત ગણતરી હાથ ધરાશે.

મતદાન માટેનો જુસ્સો,100 વર્ષનાં દાદીએ મતદાન કર્યું

મહેસાણાના પરામાં રહેતાં 100 વર્ષનાં ઇશાબેન અંબાલાલ પટેલે પરા સ્કૂલમાં મતદાન કરી પોતાના જુસ્સાનો પરિચય આપ્યો હતો.
મહેસાણાના પરામાં રહેતાં 100 વર્ષનાં ઇશાબેન અંબાલાલ પટેલે પરા સ્કૂલમાં મતદાન કરી પોતાના જુસ્સાનો પરિચય આપ્યો હતો.

મહેસાણા તા.પં. વડસ્મા બેઠક : 61.83 ટકા પુરુષ, 53.10 ટકા સ્ત્રી મતદાન
મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના નારણજી ચાવડા, કોંગ્રેસના નટવરજી મકવાણા અને આપના ઇશ્વરજી ચાવડા વચ્ચે કશ્મકશ જામી હતી. જેમાં પુરુષ 4839 અને સ્ત્રી 4478 મળી કુલ 9317 મતદારો પૈકી પુરુષ 2992 અને સ્ત્રી 2378 મળી કુલ 5370 મતદારોએ મતદાન કરતાં 57.64 ટકા મતદાન નોંધાયું છે. જેમાં પુરુષ મતદાન 61.83 ટકા અને સ્ત્રી મતદાન 53.10 ટકા છે. મંગળવારે મહેસાણા મામતલતદાર ગ્રામ્ય કચેરી ખાતે મત ગણતરીમાં ઉમેદવારોનું ભાવિ ખુલશે.

વડનગર પાલિકા વોર્ડ નં.7 : 38.31 ટકા પુરુષ, 33.16 ટકા સ્ત્રી મતદાન
વડનગર નગરપાલિકાના વોર્ડ નં.7ની મહિલા બેઠક માટેની પેટાચૂંટણીમાં ભાજપનાં દર્શનાબેન સોની અને કોંગ્રેસનાં અમરતબેન ઠાકોર વચ્ચે સીધી હરીફાઇ હતી. આ બેઠક માટે પુરુષ 1566, સ્ત્રી 1502 મળી કુલ 3068 મતદારો પૈકી પુરુષ 66 અને સ્ત્રી 498 મળી કુલ 1098 મતદારે મતદાન કરતાં કુલ 35.79 ટકા નિરસ મતદાન થયું છે. જેમાં પુરુષ મતદાન 38.31 ટકા અને સ્ત્રી મતદાન 33.16 ટકાનો સમાવેશ થાય છે. મંગળવારે વડનગર મામલતદાર કચેરી ખાતે મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે.

બુથ 6માં બોગસ મતદાન?
મતદાન કરવા આવેલાને ફરજના કર્મીએ કહ્યું તમારો મત તો અપાઇ ગયો છે...

મહેસાણા પાલિકાના વોર્ડ નં.11ના જસવંતસિંગ વજેસિંગ ઠાકોર સવારે 10 વાગે પરા પ્રાથમિક શાળા બુથ નં.6માં મતદાન માટે જતાં તેમનું મતદાન થઇ ગયાનું જણાવાયું હતું. જસવંતસિંગે કહ્યું કે, મત આપ્યો નથી અને મતદાન કેવી રીતે થઇ ગયું. બપોરે ચકાસણી કરતાં આધાર નંબર અલગ હતો. જોકે, આ અંગે ચૂંટણી અધિકારી એમ.બી. પટેલે કહ્યું કે, ઓળખકાર્ડ ઝાંખું હોઇ બીજું કોઇ મતદાન કરી જાય તો ટેન્ડર વોટ (ચેલેન્જવોટ) આપી શકે છે. અમને જાણ થતાં તે ભાઇને ટપાલ મતપત્રથી મતદાન કરવાની જોગવાઇ હોઇ મતદાન કરવા કહ્યું હતું, પણ તે ત્યાંથી નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...