જિલ્લા પંચાયતમાં મેજડાયરીનો વિવાદ:6 લાખમાં ડાયરી છપાવી સ્વભંડોળ નાણાંનો દુરુપયોગ કરાયાનો આક્ષેપ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હસમુખ ચૌધરીએ વર્તમાન કારોબારી ચેરમેન હરિ પટેલને પત્ર લખ્યો

ભાજપ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતના શાસકોએ 1લી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના કૅલેન્ડર વર્ષને બદલે એપ્રિલ ટુ માર્ચના નાણાકીય વર્ષની મેજ ડાયરી છપાવતાં વિવાદ છેડાયો છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હસમુખ ચૌધરીએ વર્તમાન કારોબારી ચેરમેન હરિભાઈ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં રૂ.6 લાખના ખર્ચે મેજ ડાયરી છપાવી જિ.પં. સ્વભંડોળનાં નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને રજૂઆતમાં એમ પણ જણાવ્યું છે કે, અગાઉ મેજડાયરીઓ જિલ્લા પંચાયતમાં કેલેન્ડર વર્ષ પ્રમાણે છપાવતા હતા અને તેનો ખર્ચ લોકફાળો અને ક્યાંક આંશિક ખર્ચ સ્વભંડોળમાં કરતા હતા. પરંતુ આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા પોતાની આગવી પ્રસિદ્ધિ થાય અને પોતાના આગવા ફોટા ડાયરીમાં મૂકી પ્રસિદ્ધિ મેળવવા રૂ.6 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ સ્વભંડોળમાં પાડી સ્વભંડોળના નાણાંનો દુરુપયોગ કર્યો છે. જિલ્લા પંચાયતના તમામ વિપક્ષી સભ્યો દ્વારા સાધારણ સભામાં આ મુદ્દો ઉઠાવાશે તેમ તેમણે જણાવ્યું છે.

સ્વભંડોળમાં ખર્ચની જોગવાઈ છે : ડીડીઓ
જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલા આક્ષેપો અંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે, 20 કરોડ ઉપરાંતનું અમારી પાસે ફંડ છે એટલે ફંડની કોઈ કમી નથી. દરેક જિલ્લામાંથી જે ડાયરી આવે છે તે સ્વભંડોળ માંથી જ આવે છે અને તેની જોગવાઈ છે. ઘણા જિલ્લાએ નાણાકીય વર્ષની ડાયરીઓ છપાવી છે.

ડાયરી પેટે અત્યાર સુધી આટલો મોટો ખર્ચ સ્વભંડોળમાં પડ્યો નથી : હસમુખ ચૌધરી
​​​​​​​જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હસમુખભાઇ ચૌધરીએ જણાવ્યું કે, અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં ડાયરી પેટે આટલી મોટી રકમનો ખર્ચ સ્વભંડોળમાં ક્યારેય પાડવામાં આવ્યો નથી. અધૂરામાં પૂરું પહેલા તેમણે સાધારણ સભામાં મૂકીને મંજૂરી મેળવવી જોઈએ. જ્યારે કારોબારી મંજૂર કરીને આ ખર્ચ પાડવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...