એજન્સી નક્કિ કરાશે:આઉટસોર્સિંગથી સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવાના ત્રણેય ટેન્ડરમાં એકસરખા ભાવ,મેનપાવર એજન્સી રિપીટ થશે

મહેસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાની આજે મળનારી કારોબારી બેઠકમાં 8.13 કરોડના 6 કામોની એજન્સી નક્કિ કરાશે

મહેસાણા નગરપાલિકામાં આઉટ સોર્સિંગથી મેનપાવર, સિક્યુરિટી, જંતુનાશક દવા ખરીદી, રસ્તા, ફુટપાથ, વરસાદી લાઇનની વાર્ષિક મરામતનો કોન્ટ્રાક્ટ સહિત કુલ રૂ. 8.13 કરોડના 6 કામોમાં એજન્સીઓના ખુલેલા ભાવ શનિવારે કારોબારી સમિતિની બેઠકમાં રજૂ કરી એજન્સી નક્કિ કરવામાં આવશે. જોકે, બેઠક પહેલાં આઉટસોર્સિંગથી સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવાના ત્રણેય ટેન્ડરમાં એકસરખા જ ભાવ હોઇ રિંગ થઇ ગયાની આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે.

પાલિકા હસ્તકની વિવિધ જગ્યાએ બે વર્ષ માટે આઉટ સોર્સિંગથી અંદાજે રૂ.2 કરોડની ખર્ચ મર્યાદામાં સિક્યુરિટી ગાર્ડ રાખવા કરાયેલા ટેન્ડરમાં ત્રણ એજન્સીના ભાવ એકસરખા હોઇ અનુભવ, દેખાવ વગેરે અંગે પરામર્શ કરી કારોબારી બેઠકમાં એક એજન્સીને કામ સોંપાશે. પાલિકાની વિવિધ શાખાઓમાં કાયમી કર્મીઓની ઘટમાં દર વર્ષની જેમ આગામી બે વર્ષે માટે આઉટ સોર્સિંગથી અંદાજે રૂ.4.5 કરોડની ખર્ચ મર્યાદામાં મેનપાવર માટે બે એજન્સીના આવેલા ભાવ અંગે પરામર્શ કરી નિર્ણય લેવાશે.

બંને ટેન્ડરમાં સારી કામગીરી કરવામાં આવી રહી હોવાનું કારણ આગળ ધરી એજન્સીઓને રિપીટ કરવાની શક્યતા છે. આગામી બે વર્ષ જંતુનાશક દવાઓ અંદાજે રૂ.95 લાખની ખર્ચ મર્યાદામાં ખરીદવા એસ્ટીમેટ કરતાં 16 ટકા ઓછા ભાવ અશ્વિની ડાઇકેમ એજન્સીએ રૂ.79,80,000માં સપ્લાય કરવાની તૈયારી દર્શાવેલી છે.

જ્યારે સફાઇ બાદ એકઠા થતાં કચરાની ડમ્પિંગમાં ભરવા માટે લોખંડની ખુલ્લી 250 હાથલારીઓ રૂ.16 લાખના ખર્ચે ખરીદવા એજન્સી નક્કિ થશે. રસ્તા, ફુટપાથ, વરસાદી લાઇનની મરામત માટે વાર્ષિક રૂ.99.30 લાખના એસ્ટીમેટ સામે એક એજન્સીએ 31.38 ટકા ઓછા ભાવે રૂ.68,13,966માં કામ કરવા તૈયારી દર્શાવી હોઇ તે અંગે નિર્ણય લેવાશે.

અમૃત-2 યોજનામાં ડ્રેનેજના નવા પમ્પિંગ સ્ટેશન, પીવાના પાણી વિતરણની લાઇનો સહિતની ડીપીઆર કામગીરી માટે નિમાયેલી એજન્સીની ગત જાન્યુઆરીમાં મુદત પૂરી થઇ છે, પરંતુ હજુ કામગીરી ચાલુ હોઇ મુદત વધારો આપવાનું કામ કારોબારીના એજન્ડામાં લેવાયું છે. આ તમામ ટેન્ડરનો શનિવારે સાંજે બેઠકમાં પરામર્શ કરી નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...