બેઠકો:જિલ્લામાં ધોરણ 10માં તમામ પાસ ધો. 11માં પ્રવેશ મેળવે તો પણ બેઠકો વધશે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 10માં 16902 પાસ, ધો. 11માં સાયન્સ,સા.પ્રવાહમાં કુલ 18780 બેઠકો હોઇ 1878 બેઠકો વધુ

મહેસાણા જિલ્લામાં ધોરણ 10ના પરિણામ પછી વિદ્યાર્થીઓએ પંસદગીના સાયન્સ કે સામાન્ય પ્રવાહની શાળાના ધોરણ 11 પ્રવેશમાં દોટ મૂકી છે. જેમાં ધોરણ 10માં કુલ 27374 પૈકી 16902 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેની સામે ધોરણ 11 પ્રવેશ માટે કુલ 196 શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે 18780 બેઠકો ઉપલબ્ધ છે.

ત્યારે ધોરણ 10 પાસ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવે તો પણ 1878 બેઠકો વધુ હોઇ ખાલી રહેશે. જોકે પંસદગીની શાળામાં પ્રવેશ માટે ઘસારો વધુ રહેતો હોઇ આવી શાળાઓમાં પ્રવેશ હાઉસફૂલની સ્થિતિએ ધોરણ 10માં ઓછુ પરિણામ ધરાવતા વિદ્યાર્થીને પસંદગીની શાળામાં પ્રવેશ ન પણ મળે અને અન્યત્ર શાળામાં ધોરણ 11 પ્રવેશમાં જવુ પડી શકે છે. બાકી ધોરણ 10ના પાસિંગ કરતાં ધોરણ 11 પ્રવેશમાં વધુ બેઠકો હોઇ જિલ્લામાં કોઇ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં તેવુ ધોરણ 11ના વર્ગોના આંકડા ઉપરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

ધોરણ 10માં 61.74 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 39 ટકા વિદ્યાર્થીઓ એક કે એકથી વધુ વિષયમાં નાપાસ થયેલા છે. આ સ્થિતિમાં જિલ્લામાં ધોરણ 11માં વિદ્યાર્થી પ્રવેશ સરળ બની રહેવાના સંકેતો છે. જિલ્લામાં ઉચ્ચત્તર માધ્યમિકની 196 શાળાઓમાં ધોરણ 11ના કુલ 313 જેટલા વર્ગો છે. વર્ગદિઠ શિક્ષણ વિભાગના નિયમ મુજબ 60 વિદ્યાર્થીઓને પ્રવેશની જોગવાઇ હોઇ 313 વર્ગોમાં કુલ 18780 બેઠકો વિદ્યાર્થી પ્રવેશ માટે ઉપલબ્ધ છે. જેમાં સરકારી,ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે.

જિલ્લામાં ધોરણ 11 સાયન્સની 64 શાળાઓમાં અંદાજે કુલ 4500થી 5000 બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ 11 સામાન્ય પ્રવાહની 132 જેટલી શાળાઓનો સમાવેશ થાય છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાજેતરમાં તમામ શાળાઓને નિયમ મુજબ ધો 11 પ્રવેશની પ્રક્રિયા કરવા શિક્ષણ વિભાગના સરક્યુલર સાથે સૂચના આપી દેવામાં આવી હોઇ શાળાઓએ ધોરણ 11 પ્રવેશનો દૌર શરૂ કરી દીધો છે.

જુલાઇની પૂરક પરીક્ષામાં પાસ થનારને ધોરણ 11માં પ્રવેશ મળશે : જિલ્લા શિક્ષણાધિકારી
ધોરણ 10માં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઇમાં પૂરક પરીક્ષા આપશે. આ પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને આ નવા શૈક્ષણિક સત્રના ધોરણ 11માં પ્રવેશની તક મળી રહેશે. તે વિદ્યાર્થીઓ શાળામાં ધોરણ 11 પ્રવેશ મેળવી શકશે. જિલ્લામાં કોઇ વિદ્યાર્થી ધોરણ 11 પ્રવેશથી વંચિત રહેશે નહીં તેમ શિક્ષણાધિકારી ર્ડા. એ.કે. મોઢે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...