યાત્રિકો હેમખેમ:અમરનાથ યાત્રાએ ગયેલાં જિલ્લાનાં તમામ 29 યાત્રિકો હેમખેમ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનાને લઇ શ્રદ્ધાળુઓના પરિવારજનોમાં ઉચાટ, અરવલ્લી જિલ્લાનાં 30 અને બનાસકાંઠાનાં 5 શ્રદ્ધાળુઓ પણ સલામત
  • ઊંઝા તાલુકાનાં 19, વડનગરનાં 5 અને ખેરાલુનાં 5 યાત્રિકો અમરનાથ યાત્રાએ ગયાં છે : જિલ્લા વહીવટી તંત્રએ કહ્યું, તમામ સુરક્ષિત છે

મહેસાણા જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા તમામ 29 યાત્રિકો, અરવલ્લી જિલ્લાના 30 અને બનાસકાંઠાના 5 શ્રદ્ધાળુઓ સુરક્ષિત અને પરિવારના સંપર્કમાં છે. અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાને લઇ યાત્રા પર ગયેલા લોકોના પરિવારના પણ જીવ તાળવે ચોંટ્યા હતા.

આ વર્ષે મહેસાણા જિલ્લામાંથી 29 યાત્રિકો અમરનાથની યાત્રા પર ગયા છે. જેમાં સૌથી વધુ ઊંઝા તાલુકામાંથી 19 યાત્રિકો 5 જુલાઈના રોજ અમરનાથ જવા રવાના થયા હતા. જે પૈકી 17 યાત્રિકો પહેલગામ ખાતે સહી સલામત હોવાનું તેમના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે. જ્યારે ઊંઝા તાલુકાના શિંહી ગામના બે વ્યક્તિ બાલતલ ખાતે સુરક્ષિત છે. વડનગર તાલુકામાંથી ગયેલા 5 શ્રદ્ધાળુઓ બારસાલ ખાતે ટેન્ટમાં, ખેરાલુના 5 યાત્રિકો શ્રીનગર ખાતે સલામત હોવાનું અને પરિવારજનો સાથે સંપર્કમાં હોવાનું જિલ્લાના અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું હતું.

પાલનપુર ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદારે જણાવ્યું કે, પાલનપુરની કંચનભૂમિ સોસાયટીમાં રહેતા વાઘેલા પરિવારના ત્રણ સદસ્યો અમરનાથ યાત્રાએ ગયા છે, જે હાલ સલામત સ્થળે છે. અમીરગઢના ઈકબાલગઢ ગામનું પ્રજાપતિ દંપતી પણ સુરક્ષિત સ્થળે છે. તંત્ર તમામની સાથે સંપર્કમાં છે. અરવલ્લી જિલ્લામાંથી 30 યાત્રિકો અમરનાથ ગયા છે. જેમાં મોડાસા અને પહાડપુરના 20 યાત્રિકો રસ્તામાં છે. ધનસુરા, ભિલોડા, મેઘરજના 10 યાત્રિકો શ્રીનગર અને અમરનાથમાં સુરક્ષિત હોવાનું અધિકારી એન.એલ.પરમારે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...