તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિ દ્વારા કૃષિ કાયદા સામે મંગળવારે ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વિસનગર માર્કેટયાર્ડ સિવાય મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. બીજી તરફ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લાભરમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તો રેવન્યુ અધિકારીઓ અને પોલીસની રજાઓ રદ કરી તમામને હેડ ક્વાટર રહેવા સૂચના અપાઇ છે.
બંધના એલાનમાં મહેસાણા જિલ્લાના ઊંઝા, મહેસાણા, કડી, વિજાપુર, ખેરાલુ સહિત તમામ 8 માર્કેટ યાર્ડ ચાલુ રહેશે. જોકે, બંધના એલાનને લઇ ખેડૂતો અસમંજશમાં હોઇ પાક વેચાણ માટે જવાનું ટાળશે તેમ મનાય છે. જ્યારે બંધને લઇ કોઇ અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા જિલ્લાભરની પોલીસને એલર્ટ કરી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો કોંગ્રેસે ચક્કાજામ જેવા કાર્યક્રમો ઘડ્યા છે. એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે, કાયદો વ્યવસ્થા બગડે નહીં તેવી અમારી વિનંતી છે. જો કાયદો વ્યવસ્થા જોખમાશે તો પગલાં લેવાશે.
બંધ અને સીએમની મુલાકાતથી ચુસ્ત બંદોબસ્ત
મંગળવારે બંધ અને સીએમની મુલાકાતને લઇ જિલ્લામાં 4 ડીવાયએસપી, 6 પીઆઇ, 24 પીએસઆઇ, 350 પોલીી જવાનો તેમજ 2 કંપની એસઆરપી તેમજ એન્ટીમોર્ચા સેલમાં 32 પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે. જ્યારે એલસીબીને સુપરવિઝન સોંપાયું છે. રજા ઉપર ગયેલા જિલ્લાના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરી પરત નોકરી પર હાજર થવા આદેશ કરાયો છે. તો ભારત બંધના એલાનના દિવસે જ સીએમ મહેસાણા આવી રહ્યા હોઇ કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા તેમનો કાળાવાવટા ફરકાવવા જેવા વિરોધ કાર્યક્રમની શક્યતાને પગલે આઇબી એલર્ટ જોવા મળ્યું હતું.
વિસનગર ગંજબજાર વેપારી મંડળ ભારત બંધમાં જોડાશે
અમારી કારોબારીએ સર્વસંમતીથી ભારત બંધને ટેકો આપી મંગળવારે બજારનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી હરાજીમાં કોઇ વેપારી જોડાશે નહીં. - કરશનભાઇ પટેલ, પ્રમુખ વિસનગર ગંજબજાર વેપારી મહામંડળ
જિલ્લામાં 144ની કલમ લાગુ - 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ, પોલીસની રજાઓ રદ કરાઇ
ભારત બંધના એલાનને પગલે રેન્જ આઇજીએ મંગળવારે 144 કલમ લાગુ કરી 4 થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને પગલે બંધના એલાનમાં ચારથી વધુ લોકો ભેગા થતાં અટકાયત થઇ શકે છે. બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જિલ્લાના મહેસાણા, કડી, વિસનગર અને ખેરાલુ પ્રાંત અધિકારી તેમજ જિલ્લાના તમામ 10 તાલુકાના મામલતદારોને હેડ ક્વાટર પર ફરજિયાત હાજર રહેવા આદેશ કરાયો છે. સાથે દૂધ, દવા, મેડિકલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ તેમજ પરિવહન સેવાઓ ચાલુ રહે તે માટે પોલીસ સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે. નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીઓને પણ ફરજિયાત હેડ ક્વાટર પર રહેવા જણાવાયું છે.
કોંગ્રેસનો દાવો : તમામ સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ ઝાલા અને શહેર પ્રમુખ પી.કે. પટેલે જણાવ્યું કે, મહેસાણામાં વકીલ, રેડિમેડ, ચોકસી સહિતના એસોસીએશનોએ બંધને સમર્થન આપ્યું છે. જિલ્લા પંચાયત કચેરી પણ બંધ રહેશે.હાઇવે પર ચક્કાજામ જેવા કાર્યક્રમો અપાશે.
ખેડૂત આંદોલનને 5 સામાજિક સંગઠનોનું સમર્થન
ભારત બંધના એલાનને મહેસાણા જિલ્લાના રાષ્ટ્રીય જાગૃતિ પરિષદ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, સામાજિક એકતા જાગૃતિ મિશન, દલિત અધિકાર મંચ ગુજરાત અને ક્રાંતિ સેના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. સોમવારે જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલને આ 5 સામાજિક સંગઠનના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભારતીય કિસાન સંઘ બંધમાં નથી જોડાયું
ભારતીય કિસાન સંઘ મહેસાણા જિલ્લા મંત્રી છનાજી ઠાકોરે જણાવ્યું કે, ભારત બંધમાં ભારતીય કિસાન સંઘ જોડાયું નથી. ગુજરાતની અન્ય ખેડૂત સંસ્થાઓ તેમાં જોડાઇ હોય તો મને ખ્યાલ નથી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.