ફૂડ-પોઇઝનિંગ મામલો:દાવતમાં વપરાયેલી તમામ ચીજ-વસ્તુઓ હાલ શંકાના દાયરામાં, સેમ્પલના પરિણામ આવ્યા બાદ કાર્યવાહી કરાશે

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 8 નમૂના લીધા, 14 દિવસ બાદ પરિણામ આવશે
  • 5 વર્ષથી નાના 63 બાળકો ફૂડ-પોઇઝનિંગનો શિકાર બન્યા

મહેસાણાના વિસનગર તાલુકાના સવાલા ગામે ગત મોડી રાત્રે લગ્ન સમારોહમાં યોજાયેલી દાવતમાં હજારોની સંખ્યામાં લોકોએ નોનવેજ ખાધુ હતુ. જોકે, થોડીજ વારમાં લોકોને ઉલ્ટી થતાં હોસ્પિટલો ઉભરાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા ભરના અધિકારીઓ અને આરોગ્ય મંત્રી વિસનગર દોડી આવ્યા હતા. જેમાં આગોગ્ય વિભાગે દાવતમાં વપરાયેલી તમામ ચીજ વસ્તુઓ સેમ્પલ લીધા છે, જે શંકાના દાયરામાં છે. 14 દિવસ બાદ સેમ્પલનું પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

દાવતમાંથી 8 સેમ્પલ લેવામાં આવ્યા: અધિકારી
મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, દાવત યોજાઈ હતી એ સ્થળેથી આઠ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે હાલ ફૂડ-પોઇઝનિંગ ક્યાં કારણે થયું એ કહી શકાય નહીં. હાલમાં રસોઈયાથી લઈને દાવતમાં વપરાયેલી તમામ ચીજ વસ્તુઓ શંકાના દાયરામાં કહી શકાય. 8 સેમ્પલના પરિણામ લેવામાં આવ્યા છે અને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા છે. જ્યાં 14 દિવસ બાદ રિપોર્ટ આવશે એના પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

5 વર્ષથી નાના 63 બાળકો ફૂડ-પોઇઝનિંગનો શિકાર બન્યા
સવાલા ખાતે દાવતમાં જમ્યા બાદ કુલ 1368 લોકોને ઉલ્ટી થતા સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આરોગ્ય વિભાગે આ અંગે આંકડા પણ જાહેર કર્યા છે. જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના કુલ 63 બાળકો અને બાળકીઓ ફૂડ-પોઇઝનિંગની ઝપેટમાં આવ્યા છે. ત્યારે 5 વર્ષથી મોટા કુલ 1215 લોકો પણ ફૂડ-પોઇઝનિંગનો ભોગ બન્યા છે.

આ હોસ્પિટલોમાં સારવાર અપાઇ

વિજાપુર સી.એચ.સી ખાતે 41 દર્દી, વિજાપુર ખાનગી હોસ્પિટલમાં 1 દર્દી, ઊંઝામાં સરકારી અને ખાનગીમાં કુલ 15 દર્દી, કડી ભાગ્યોદય હોસ્પિટલમાં 4 દર્દી, નંદાસણ સી.એસ.સી ખાતે 1 દર્દી, વડનગર સિવિલ હોસ્પિટલમાં 122 દર્દી, મહેસાણા જનરલ હોસ્પિટલમાં 232, મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં 32, મહેસાણા સામવેદ હોસ્પિટલમાં 2, મહેસાણાના છઠીયરડામાં 98, વિસનગર હોસ્પિટલમાં 410 અને વિસનગર જનરલ હોસ્પિટલમાં 300 મળી કુલ 1268 દર્દીઓ ફૂડ-પોઇઝનિંગનો ભોગ બનતાં સારવાર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...