તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • After Unlocking In 4 Major Cities Of North Gujarat, 30% Returned In Hotel restaurant And Electronics, 50% In Readymade Garments, 30% In Jewelers.

ગ્રાઉન્ડ રિપોર્ટ:ઉત્તર ગુજરાતનાં 4 મોટા શહેરોમાં અનલૉક બાદ હોટેલ-રેસ્ટોરન્ટ અને ઇલેક્ટ્રોનિક્સમાં 30%, રેડિમેડ ગારમેન્ટમાં 50%, જ્વેલર્સમાં 30% ઘરાક પાછા ફર્યાં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કરિયાણાની દુકાનો પર ઘરાકી 80 ટકા સુધી પહોંચી, 30 ટકા લોકો સ્વીટની દુકાને પાછા ફર્યા

લૉકડાઉન ખૂલ્યા બાદ ઉત્તર ગુજરાતમાં જનજીવન સાથે વેપાર-ધંધા ફરી ધબકતા થયા છે. હોટેલ, રેસ્ટોરન્ટ, કરિયાણા બજાર, રેડિમેડ ગારમેન્ટ, ઇલેક્ટ્રોનિકસ અને જ્વેલરી માર્કેટમાં ધીમે ધીમે ઘરાકી વધી રહી છે. શનિવારથી રાત્રિ કર્ફ્યૂમાં અપાયેલી વધુ છુટછાટને લઇ ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના બજારોમાં તેજીની આશા બંધાઇ છે. વેપારીઓના મત મુજબ, જુલાઇથી તમામ બજારોમાં ઘરાકી વધવાની અને ત્રીજી લહેર ના આવે તો નવરાત્રિથી દિવાળી સુધીમાં બજારોની રોનક પહેલાંની જેમ પાછી ફરી શકે છે. દિવ્ય ભાસ્કરે ઉત્તર ગુજરાતના ચાર સૌથી મોટા શહેર મહેસાણા, પાટણ, પાલનપુર અને હિંમતનગરમાં દુકાનદારો, વેપારી એસોસીએશનો સાથે અનલોક બાદ બજારમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી હતી. જેમાં હોટેલ- રેસ્ટોરન્ટમાં 25થી 30 ટકા, મિઠાઇ-ફરસાણમાં 35થી 40 ટકા, નાસ્તા હાઉસ 70થી 80 ટકા, રેડિમેડ ગારમેન્ટમાં 50 ટકા, જ્વેલરી માર્કેટમાં 20થી 30 ટકા ઘરાકી પાછી ફરી હોવાનું સામે આવ્યું છે.

ત્રીજી લહેર ના આવે તો નવરાત્રિથી દિવાળી સુધીમાં વેપાર ટોપગિયરમાં આવવાની બજારમાં આશા

  • હોટેલ-રેસ્ટોરન્ટ 25થી 30 ટકા ઘરાકી પાછી આવી. કાલથી રાત્રે 9 સુધી 60% ક્ષમતા સાથે ચાલુ રાખવાની છુટથી ઘરાકી વધવાની આશા છે.
  • જીમ હાલમાં 30થી 40% લોકો આવી રહ્યા છે. હવે 60% ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી અપાતાં હવે વધુ લોકોને જીમમાં પ્રવેશ આપી શકાશે.
  • રેડિમેડ-ગારમેન્ટ સૌથી વધુ ગ્રાહકો આ વેપારમાં પાછા ફર્યા. 40 થી 50 ટકા ગ્રાહકો રેડિમેડ ગારમેન્ટની ખરીદી કરતા થયા છે. હજુ તેમાં ગતિની ધારણા છે.

મહેસાણા: કડક નિયમોને લઇ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં 5% ઇન્કવાયરી
અનલોક બાદ વિવિધ વ્યવસાયોમાં 5% થી 50% સુધી લોકોનો ધસારો વધ્યો છે. કોરોનાની ત્રીજી લહેર ના આવે તો આગામી દિવસોમાં માર્કેટમાં 75% થી 80% માર્કેટ ઊંચુ આવી શકે છે. ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા પિયુષભાઇએ કહ્યું કે, કર્ફ્યૂ અને પાર્સલ સેવાની મર્યાદા વચ્ચે 20 થી 30% લોકો પરત ફર્યા છે. હરવા-ફરવામાં કડક નિયમોને લઇ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં 5% જ ઇન્કવાયરી હોવાનું હરેશભાઇ પટેલે જણાવ્યું હતું. જ્વેલરી એસો.ના પ્રમુખ અરવિંદભાઇ પટેલ કહે છે કોરોના ગાઇડ લાઇન વચ્ચે લગ્નસરાને પૂરતી છુટ ન મળતાં જ્વેલરી માર્કેટમાં માત્ર 15% લોકો ખરીદી કરી રહ્યા છે.

પાટણ: બીજી લહેર બાદ ધંધા શરૂ પરંતુ ઘરાકી 30% જ પરત આવી
દિવાળીએ ફરી ધંધા ધમધમતા થશે તેવી આશા વેપારીઓને છે. કલ્પેશ ચોક્સીએ જણાવ્યું કે, હાલમાં લગ્નગાળો ન હોઈ સોના-ચાંદી બજારમાં 30% ઘરાકી છે. ઇલેક્ટ્રોનિક શો રૂમના મનીષભાઈએ જણાવ્યું કે, હાલમાં મોટા ટીવી, વોશિંગ મશીન, એસી સહિત મોટી વસ્તુઓનું વેચાણ 90 ટકા ઘટી ગયું છે. બંસી કાઠિયાવાડી રેસ્ટોરેન્ટના વનરાજભાઈએ જણાવ્યું કે, હાલમાં દિવસે 30-40 ટકા ઘરાકી રહે છે. મોટા શો રૂમમાં ભાડાં વધુ હોય સામે ઘરાકી ઘટતાં પાલિકા બજાર, ટીબી ત્રણ રસ્તા અને મુખ્ય બજારમાં મળી 5 રેડિમેડ દુકાનો અને 3 રેસ્ટોરેન્ટ ઘરાકીના કારણે બંધ થયાં હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

બનાસકાંઠા: સોની બજારમાં 5%, રેડિમેડ-પ્લાસ્ટીકમાં 70% ઘરાકી
ધીમે ધીમે ઘરાકી ખુલતાં વેપારીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. છેલ્લા દસ દિવસમાં કાપડ બજારમાં 40 ટકા, હોટલો અને રેડિમેડ કપડાંમાં 25 ટકા ઘરાકી ખુલ્યાનું વેપારી એસો.ના અશોક મહેશ્વરીએ જણાવ્યું હતું. લગ્ન સિઝનમાં જ દુકાનો બંધ રહેતાં જ્વેલર્સમાં મોટું નુકસાન થયું છે. હવે બજાર ખુલતાં 5 ટકા જેવી ઘરાકી ખુલી છે તેમ પાલનપુર ચોકસી સુવર્ણકાર એસો. પ્રમુખ અશોકભાઇ સોનીએ જણાવ્યું હતું. હોટલ સંચાલક હાર્દિક પટેલે 25 ટકા ગ્રાહકો આવતાં થયાનું જણાવ્યું હતું. સ્કૂલો બંધ હોવાથી 15 ટકા ખરીદી થઇ રહી હોવાનું સ્ટેશનરી એસો. પ્રમુખ બેચરભાઇ પટેલે જણાવ્યું હતું.

સાબરકાંઠા: વિવિધ વ્યવસાયમાં 25 થી 60% ધંધો ફરી પાટા ઉપર
ખાદ્ય ચીજવસ્તુ, કરિયાણા સિવાયના તમામ ઠપ થઇ ગયેલા વ્યવસાય હવે લોકડાઉનમાં મુક્તિ મળતાં ફરી ધમધમતા થયા છે. જવેલર્સ બજારમાં એકંદરે 50 ટકાનો ફરક પડી ગયો છે. બે-ત્રણ જ્વેલર્સ બંધ થઈ હોવાનું હિંમતનગર જ્વેલર્સ એસો.પ્રમુખ રાકેશભાઈ સોનીએ જણાવ્યું હતું. ઇલેક્ટ્રોનિક્સ બજારમાં 25 થી 30 ટકાની રિકવરી આવી હોવાનું ઇલેક્ટ્રોનિક્સ વેપારી એસો.ના પ્રમુખ જીતુભાઈ પટેલનું કહેવું છે. રેડિમેડ ગારમેન્ટમાં છેલ્લા એક માસમાં 50 ટકા ધંધો પાટે ચઢ્યો છે તેમ રેડિમેડ એન્ડ હોઝિયરી એસો.ના પ્રમુખ દિલીપભાઈ પટેલે કહ્યું હતું.

વેપાર ફરી ધબકતો થયો

વ્યવસાયમહેસાણાપાટણબ.કાંઠાસા.કાંઠા
હોટેલ-રેસ્ટોરન્ટ25302530
મિઠાઇ-ફરસાણ25403040
નાસ્તા હાઉસ30608070
સ્ટેશનરી40301510
સલૂન50807050
ફૂટવેર30403030
ઇલેક્ટ્રોનિક્સ25106030
જીમ20605030
રેડિમેડ-ગારમેન્ટ50403050
ટૂર એન્ડ ટ્રાવેલ્સ5102010
જ્વેલર્સ20301050
મોલ6008070

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો માર્કેટની કમર તોડી રહ્યો છે
મોટાભાગના વ્યવસાયકારોએ જણાવ્યું કે, કોરોના નબળો પડતાં માર્કેટ ભલે ખૂલ્યું છે, પરતું હવે પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના કારણે માર્કેટની કમર તૂટી રહી છે. ઇંધણના ભાવ વધારાના કારણે માલનું ટ્રાન્સપોર્ટેશન મોંઘું બન્યું છે. જેના કારણે નફાનું ધોરણ પણ ઘટ્યું છે. ચીજવસ્તુઓ મોંઘી બનતાં ઘરાકીને પણ અસર થઇ રહી છે.