મહેસાણામાં પણ પેપર ફૂટ્યાં:એકમ કસોટી બાદ ધોરણ 10ની પ્રિલિમનાં 3 પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શાળા વિકાસ સંકુલનું અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન અને સંસ્કૃતનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું
  • પેપર લીક થયાના દાવા સાથે શિક્ષકની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતથી ખળભળાટ, તપાસ કરવા શિક્ષણ સચિવનો આદેશ

મહેસાણામાં એકમ કસોટીઓના પ્રશ્નપત્ર યુ-ટ્યુબમાં સોલ્યુશન સાથે પરીક્ષા પહેલાં ફૂટી ગયાના પર્દાફાશ પછી તાજેતરમાં મહેસાણાની શાળાઓમાં શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષાના 3 પ્રશ્નપત્રો પણ પરીક્ષાના એક દિવસ પહેલાં જ ઘણા વિદ્યાર્થી પાસે પહોંચી ગયાનો દાવો મહેસાણાની ખાનગી શાળાના શિક્ષક અલકેશ પટેલે કર્યો હતો અને આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ કરી કસૂરવાર સામે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી હતી.

અમદાવાદમાં શાળા વિકાસ સંકુલના પેપર પરીક્ષા પહેલાં સોશિયલ મીડિયામાં ફરતા થયા હોવાની તપાસના આદેશ થયા છે, ત્યાં મહેસાણામાં પણ શાળા વિકાસ સંકુલના પ્રશ્નપત્રો લીક થયાની રજૂઆત થઇ છે. મહેસાણાના ખાનગી શાળાના શિક્ષક અલ્કેશ આર. પટેલે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે કે ગત તા. 10થી શરૂ થયેલી ધોરણ 10ની પ્રિલિમિનરી પરીક્ષા શુક્રવારે પૂર્ણ થઇ છે. જેમાં છેલ્લા દિવસે અંગ્રેજી વિષય સહિત અગાઉના સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત સહિતનાં પ્રશ્નપત્રો પરીક્ષાના નિયત સમય પહેલાં એટલે કે એકાદ દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયાનો દાવો કર્યો છે.

આ પ્રશ્નપત્રો શાળા વિકાસ સંકુલ હેઠળની શાળાઓ પૈકી ઘણા વિદ્યાર્થીઓ પાસે પહોંચી ચૂક્યા છે. શાળાના બાળકો મારફતે જાણ થતાં વાયરલ પ્રશ્નપત્ર અને શાળા વિકાસ સંકુલનું સાચુ પ્રશ્નપત્ર સમાન છે. છાશવારે આ રીતે પ્રશ્નપત્રો ફૂટી જાય તે ગંભીર ગુનાહિત કૃત્ય કહી શકાય. પ્રિલિમિનરી પરીક્ષાના 5 ટકા ગુણ બોર્ડની પરીક્ષામાં ઉમેરાતા હોઇ પરીક્ષાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લામાંથી આપણી શાળા વિકાસ સંકુલના પ્રશ્નપત્રો ક્યાંથી લીકેજ થાય છે તેની તપાસ કરી કસૂરવાર સામે એફઆઇઆર દાખલ કરવા લેખિત રજૂઆત કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

ગંભીરતાથી લઇ તપાસ થાય તે જરૂરી છે
મહેસાણામાં પ્રશ્નપત્ર સમાન હોવાનું ધ્યાને આવ્યું છે. આ શાળા વિકાસ સંકુલમાં ચારેક તાલુકાની શાળાઓ આવે છે. આ રીતે પેપર ફૂટે એમાં હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય. ત્યારે ગંભીરતાથી લઇ તપાસ થાય તે જરૂરી છે.> અલ્કેશ પટેલ, રજૂઆત કરનાર શિક્ષક

સચિવ કક્ષાથી દરેક જિલ્લામાં તપાસની સૂચના છે
શિક્ષણ બોર્ડ દ્વારા પ્રિલિમિનરી અને દ્વિતીય પરીક્ષા જે-તે શાળાને લેવાની સૂચના અપાયેલી છે. જેમાં કેટલીક શાળા તેમની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને તો શાળા વિકાસ સંકુલ સાથે સંકળાયેલી શાળાઓમાં શાળા વિકાસ સંકુલ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષાનું આયોજન કરે છે. કચેરી દ્વારા આ પરીક્ષા લેવાતી નથી. મહેસાણામાં પ્રિલિમિનરીનું પેપર લીકનો હજુ કોઇ પુરાવો મળ્યો નથી. શિક્ષણ વિભાગના સચિવ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નપત્ર અંગે તપાસની સૂચના આવી છે, આપણા જિલ્લામાં પણ તપાસ કરાવીશું.> ડૉ.એ.કે.મોઢ, જિલ્લા શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...