વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વિકાસ સંમેલનો યોજ્યા બાદ ભાજપ હવે કેન્દ્રીય મંત્રીઓને ઝોન વાઈઝ પ્રભારીની સોંપેલી જવાબદારીવાળા જિલ્લાઓમાં જન આશીર્વાદ યાત્રા કાઢશે. મહેસાણા જિલ્લામાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની આગેવાનીમાં 19 થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાનાર જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ ઊંઝા ઉમિયા ધામથી કરાનાર છે.
આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા બાદ હવે ભાજપ જન આશીર્વાદ યાત્રા કાઢશે. મહેસાણા લોકસભા મત વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા 19 ઓગસ્ટે ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાશે. ત્યાર બાદ તરભ વાળીનાથ મંદિર, વાલમ, અર્બુદાધામ, બાસણા થઈ મહેસાણામાં સામાજિક સંમેલનનું આયોજન કરાયુ છે.
ઉપરાંત, બહુચરાજીમાં પણ માતાજીના દર્શન કરી સામાજિક સંમેલન યોજવામાં આવશે. જન આશીર્વાદ યાત્રાની તૈૈયારી માટે જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રમુખ જશુ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં યાત્રા ઈન્ચાર્જ નંદાજી ઠાકોર, પ્રદેશ મંત્રી પંકજ ચૌધરી, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશ પટેલ, જિલ્લા પ્રભારી કનુ પટેલ, ધારાસભ્યો ઋષિકેશ પટેલ, રમણ પટેલ, આશાબેન પટેલ, અજમલજી ઠાકોર તેમજ જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ, એપીએમસીના ચેરમેનો અને કાર્યક્રમના ઈન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.