તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં:3 શ્રમિકોનાં મોત પછી કુંભકર્ણની જેમ ઊંઘતા રહેલા તંત્રને ખબર પડી કે ફેક્ટરી ગેરકાયદે છે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટુંડાલી સીમમાં લાયસન્સ વિના 6 મહિનાથી ચાલતી રાજકેમ ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવા આદેશ
  • સાપરાધ મનુષ્ય વધના ગુનામાં ફેકટરી માલિક મિતુલ મિસ્ત્રીની ધરપકડ, ભાગીદાર રવિ પટેલ સારવાર હેઠળ
  • બીકોમ પાસ મિતુલ મિસ્ત્રી અને રવિ પટેલે 6 મહિના પહેલાં જ પ્લાન્ટ બનાવ્યો હતો અને 2 મહિનાથી સોડિયમ બ્રોમાઇડ નામનું કેમિકલ બનાવીને વેચતા હતા

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમાં સોમેશ્વર જીઆઇડીસીમાં આવેલી રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી ગેસને કારણે 3 શ્રમિકોનાં મોત પ્રકરણમાં પોલીસે બુધવારે કેમિકલ પ્લાન્ટ નાખનારા મિતુલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. બીજી બાજુ અત્યાર સુધી કુંભકર્ણની જેમ ઊંઘતા રહેલા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગની ટીમની તપાસમાં કારખાના ધારા હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર, લાયસન્સ લીધા વગર દોઢ-બેક મહિનાથી ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી હતી. જેમાં સેફ્ટીના સાધનો વગર કામકાજ ચાલતું હોવાનું બહાર આવતાં ક્લોઝર નોટિસ અપાઇ છે.

લાંઘણજ પીએસઆઇ એસ.ડી. રાંતડાએ ત્રણ શ્રમિકોનો ભોગ લેનારી કેમિકલ ફેકટરીના માલિક મિતુલ મિસ્ત્રીની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી હકિકત ખુલી હતી. જેમાં તેને રવિ પટેલ સાથે મળીને કોઇપણ લાયસન્સ વિના છ મહિના પહેલાં સોમેશ્વર જીઆઇડીસીમાં ભાડે રાખેલી ફેક્ટરીમાં કેમિકલ પ્લાન્ટ નાખ્યો હતો. બીકોમ પાસ આ બંને ભાગીદારોને કેમિકલ બનાવવાનો કોઇ ઝાઝો અનુભવ ન હોવા છતાં દોઢ મહિનાથી તેઓ બહારથી સોડિયમ બ્રોમાઇડ નામનું કાચુ કેમિકલ મગાવી તેની પ્રોસેસ બાદ બહાર ફેક્ટરીઓમાં વેચતા હતા. પોલીસે તપાસના પ્રથમ દિવસે ફેક્ટરીમાંથી કબજે કરેલા કેમિકલના નમૂના એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

શ્રમિકોને રોજ રૂ.300 મહેનતાણું ચૂકવાતું હતું
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, અહીં મજૂરીકામે આવતા શ્રમિકોને રોજના રૂ. 300 અને માસિક રૂ.15 હજાર મહેનતાણું ચૂકવાતું હતું. નોંધનીય છે કે, આ ઘટનામાં ઝેરી ગેસની અસર ફેકટરીના ભાગીદાર એવા રવિ પટેલને પણ થતાં સારવાર હેઠળ છે ત્યારે તે સ્વસ્થ થયા બાદ પોલીસ તેની પણ ધરપકડ કરશે.

કેમિકલ રિએક્શનથી ગેસ ઉત્પન્ન થયાનું પ્રાથમિક અનુમાન
કેમિકલના એનાલિસિસ બાદ સાચી હકિકત જાણી શકાય તે માટે તમામ કેમિકલના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. કબજે કરેલું કેમિકલ પ્યોર ન હોવાનું પ્રાથમિક ધોરણે કહી શકાય. કેમિકલ રિએક્શનથી ગેસ ઉત્પન્ન થતાં ઘટના બની હોવાનું અનુમાન છે. > ચિરાગ પટેલ, એફએસએલ અધિકારી, મહેસાણા

ફેક્ટરીનું કારખાના ધારા હેઠળ રજીસ્ટ્રેશન જ કરાવ્યું નથી
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના કારખાના નિરીક્ષક વાય.આઇ. પેન્ડોલ અને નાયબ નિયામક આર.ડી. પટેલે સ્થળ તપાસ કરી હતી. જેના અધિકારી સૂત્રોના પ્રાથમિક અનુમાન મુજબ, જે ટાંકીમાં સોડિયમ બ્રોમાઇટ સાથે સલ્ફ્યુરિક એસિડ ભળ્યું હોય તેમ લાગી રહ્યું છે. બાજુમાં સલ્ફ્યુરિક એસિડ માટેની ટાંકી છે. આ પ્રાથમિક અનુમાન છે. ટાંકીમાં કેમિકલ નાખતાં પહેલાં અંદર ચેક કરવું જોઇએ. સેમ્પલ એફએસએલમાં મોકલાયા છે. ઇન્ડસ્ટ્રીઝના રવિ પટેલને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ઉત્પાદન કરવા સામે મનાઇહુકમ આપ્યો છે.

સેફ્ટી સાધનો વગર ઉત્પાદન બદલ એક લાખ દંડ અથવા બે વર્ષ સજાની જોગવાઇ
મહેસાણા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોએ કહ્યું કે, સેફ્ટીના સાધનો વગર ઔદ્યોગિક ઉત્પાદનમાં અગાઉ કોર્ટ કેસો પૈકી સંખ્યાબંધ કેસોમાં એક-એક લાખના દંડ થયેલા છે. સજાના કિસ્સા ધ્યાને નથી. ચાલુ વર્ષ દરમિયાન મહેસાણા,બનાસકાઠામાં ચેકિંગ દરમિયાન સલામતી સાધનો વગરની 30 ઇન્ડસ્ટ્રીઝ સામે કારખાનાધારા 1948ની કલમ 40 (1) હેઠળ કેસ કરાયા છે. આવા કેસમાં ગુનો સાબિત થયે એક લાખ રૂપિયાનો દંડ અથવા બે વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.

તંત્રનો લૂલો બચાવ, કોઈ રજૂઆત મળે તો તપાસ કરીએ છીએ
લાયસન્સ વગર કેટલી ઇન્ડસ્ટ્રીઝ જિલ્લામાં ચાલતી હશે, તેવા પ્રશ્નના જવાબમાં આવી કોઈ રજૂઆત મળે કે ધ્યાને આવે તો તપાસ કરીએ છીએ તેઓ બચાવ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ કરી રહ્યો છે.

આ નિયમોનો ખુલ્લો ભંગ

  • કારખાનાધારા હેઠળ રજીસ્ટ્રેશન થયેલું નથી.
  • લાયસન્સ માટે અમદાવાદ કે સ્થાનિક કચેરીએ અરજી કરી નથી.​​​​​​​
  • ક્લોરીન અને બ્રોમિન ગેસને લગતા ગેસ ડિટેક્ટર નહોતા.
  • 45 મિનિટ ચાલી શકે તેવા 2 સેટ સેલ્ફ બ્રિથિંગ ઓપરેટર નથી.​​​​​​​
  • ​​​​​​​ક્લોરીન ગેસના લીકેજને પહોંચી વળવા માટેની ક્લોરીન કીટ, ક્લોરીનહૂડ નથી.

કંપનીમાં કાચો માલ આપનાર પર ભરાયા
ગુજરાત પોલ્યુશન કંન્દ્રોલ બોર્ડ મહેસાણા પ્રાદેશિક કચેરીના ઇન્ચાર્જ અધિકારી મુરલી ક્રિષ્ણન દાસારીએ કહ્યુ કે, એન્યારર્નમેન્ટલ ડેમેજ કમ્પેનસેશન હેઠળ જરૂરી કાર્યવાહી માટેનો તપાસ રીપોર્ટ કરાયો છે.ટ્રેડર મારફતે કેમીકલ માલ કંપની મેળવતી હતી.આવી કોઇ પરમીશન વગર માલ સપ્લાય કરી શકાય નહી.તેમની સામે પણ જરૂરી કાર્યવાહી માટે અહેવાલમાં સુચવ્યુ છે.

એન.ઓ.સી પરમીશન પણ મેળવી નથી
ગુજરાત પોલ્યુશન કંન્દ્રોલ બોર્ડ મહેસાણા પ્રાદેશિક કચેરીના ઇન્ચાર્જ અધિકારી મુરલી ક્રિષ્ણન દાસારીએ કહ્યુ કે, એન્વાયરમેન્ટલ ડેમેજ કમ્પેનસેશન હેઠળ જરૂરી કાર્યવાહી માટેનો તપાસ રીપોર્ટ કરાયો છે.સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 9 હેઠળ કંપનીએ પરમીશન લેવી પડે પરંતુ આવી કોઇ પરમીશન લીધી ન હોઇ જરૂરી કાર્યવાહી કરાઇ છે.ટ્રેડર મારફતે કેમીકલ માલ કંપની મેળવતી હતી.આવી કોઇ પરમીશન વગર માલ સપ્લાય કરી શકાય નહી.તેમની સામે પણ જરૂરી કાર્યવાહી માટે અહેવાલમાં સુચવ્યુ છે.કંપનીએ સ્થાપના માટે પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડની એન.ઓ.સી મેળવી છે પરંતુ ઉત્પાદન માટેની એન.ઓ.સી પરમીશન મેળવી નથી. ગાંધીનગર વડી કચેરીએ અહેવાલ કર્યો હોઇ સત્વરે જરૂરી આગળના પગલાં લેવાની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો