વિધાનસભાની ચૂંટણીમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન અંતર્ગત કોરોના પોઝિટિવ કે પછી શંકાસ્પદ દર્દીને મતદાન કરવા માટે નિયત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર મેળવવું પડશે. સરકાર દ્વારા સિવિલના આરએમઓથી માંડી સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરના તબીબને આ પ્રમાણપત્ર આપવાની સત્તા આપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લામાં કોરોનાથી પ્રભાવિત અથવા શંકાસ્પદ મતદારને મતદાન કરવા માટે સક્ષમ તબીબી અધિકારીનું પ્રમાણપત્ર લેવા માટેની રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્રના સીડીએચઓ અને નોડલ અધિકારી દ્વારા પણ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેને લઈ આગામી 28 નવેમ્બર બાદ જિલ્લાની સાતેય વિધાનસભા વિસ્તારમાં જો કોઈ કોરોના પોઝિટિવ દર્દી નોંધાશે તો તેની સંપૂર્ણ યાદી આરોગ્ય તંત્ર જિલ્લાના ચૂંટણી તંત્રને પહોંચાડશે.
ત્યાર બાદ ચૂંટણી તંત્ર નક્કી કરશે કે કોરોના પોઝિટિવ દર્દીઓને કેવી રીતે મતદાન કરાવવું. મતદાન કરવા માટે જરૂરી પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ ડી સાથે અરજી કરીને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવા માટે નિમણૂંક કરાયેલા જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તમામ આરએમઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકાના તમામ હેલ્થ ઓફિસરો પાસેથી આ પ્રમાણપત્ર મેળવી શકશે.
મેડિકલ સાધન, એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાશે
જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર આરોગ્ય તંત્ર દ્વારા આ વખતે ફર્સ્ટ એઇડ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જિલ્લાની હોસ્પિટલ ખાતે મેડિકલ સાધન સામગ્રી એમ્બ્યુલન્સ વાનને સ્ટેન્ડ બાય રાખવા અને સેનેટાઈઝરનો જથ્થો પૂરતો રાખવાની સૂચના જિલ્લા કક્ષાએથી અપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.