આગાહી:સપ્તાહ બાદ ઉ.ગુ.ના 74% વિસ્તારમાં વરસાદ

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિવસ દરમિયાન આજે ઉત્તર ગુજરાતના 51% થી 75% વિસ્તારમાં અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે
  • મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉ.ગુ.ના 35 તાલુકામાં વરસ્યો, વિજાપુરમાં પોણા 2 ઇંચ, સતલાસણામાં દોઢ ઇંચ

મધ્ય પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. બુધવાર સાંજે 6 થી ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 35 તાલુકા પૈકી સૌથી વધુ સવા 4 ઇંચ વરસાદ વડાલીમાં ખાબક્યો હતો.

સાંજે 6 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડાલી પંથકમાં નોંધાયો હતો. આ ઉપરાંત 1 ઇંચથી વધુ વરસાદ ધરાવતાં 10 તાલુકામાં વડગામ અને ધનસુરામાં અઢી ઇંચ, વિજાપુર, પાલનપુર અને ઇડરમાં પોણા 2 ઇંચ, ડીસા,કાંકરેજ, સિદ્ધપુર અને સતલાસણામાં દોઢ ઇંચ તેમજ કડીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે, ગત 28 જુલાઇથી ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવાર સવારે 8.30 થી શનિવાર સવારે 8.30 કલાક સુધીના 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં હળવાથી લઇ અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ વરસાદ ઉત્તર ગુજરાતના 51% થી 75% વિસ્તારમાં વરસે તેવી શક્યતા છે.

ઉ.ગુ.માં અહીં વરસાદ

  • મહેસાણા : વિજાપુરમાં પોણા 2 ઇંચ, સતલાસણામાં દોઢ ઇંચ, કડીમાં 1 ઇંચ, વિસનગરમાં પોણા 1 ઇંચ, મહેસાણામાં 14 મીમી, જોટાણામાં 10 મીમી, ઊંઝામાં 8 મીમી, ખેરાલુ-બહુચરાજીમાં 5-5 મીમી, વડનગરમાં 2 મીમી
  • પાટણ : સિદ્ધપુરમાં દોઢ ઇંચ, રાધનપુરમાં 3 મીમી, ચાણસ્મા-શંખેશ્વરમાં 2-2 મીમી
  • બનાસકાંઠા : વડગામમાં અઢી ઇંચ, પાલનપુરમાં પોણા 2 ઇંચ, ડીસા-કાંકરેજમાં દોઢ ઇંચ, અમીરગઢમાં 12 મીમી, દાંતીવાડામાં 11 મીમી, દાંતામાં 8 મીમી, લાખણીમાં 2 મીમી, દિયોદરમાં 1 મીમી
  • સાબરકાંઠા : વડાલીમાં સવા 4 ઇંચ, ઇડરમાં પોણા 2 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ, પોશીનામાં 15 મીમી, પ્રાંતિજમાં 11 મીમી, ખેડબ્રહ્મામાં 5 મીમી, હિંમતનગર-તલોદમાં 3-3 મીમી
  • અરવલ્લી : ધનસુરામાં અઢી ઇંચ, બાયડમાં પોણા 1 ઇંચ, મોડાસામાં 12 મીમી, ભિલોડામાં 10 મીમી
અન્ય સમાચારો પણ છે...