વિજાપુરના લાડોલ રોડ પર સાડા ત્રણ વર્ષ પહેલાં સોમેશ્વર રોલિંગ મિલમાં કામદારો વચ્ચે થયેલી માથાકૂટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. હત્યાનો આ કેસ મહેસાણા સ્પે. એટ્રોસીટી કોર્ટમાં ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજા અને રૂ.6900 દંડનો હુકમ કરાયો હતો.
વિજાપુરના લાડોલ રોડ પરની સોમેશ્વર રોલિંગ મિલમાં કમલેશ શાન્તિલાલ મીણા અને મૂળ યુપીના કુંડારના શેરૂસીંગ મતોલાસીંગ ઠાકુર એક સાથે લોખંડની એંગલો બનાવવાનું કામ કરતા અને મિલની ઓરડીમાં રહેતા હતા. 5 જૂન 2018ના રોજ મિલમાં લાઇટો ન હતી. ત્યારે કમલેશ મીણા ઓરડીની બહાર ખાટલો પડ્યો હોઇ સૂવા જતો હતો, તે સમયે શેરૂસીંગ ઠાકુરની સાથે ખભો અથડાતાં ઝઘડો થયો હતો.
જેમાં શેરૂસિંહે લોખંડની એંગલથી કમલેશ મીણા ઉપર હુમલો કરતાં કમલેશના પિતા શાન્તિલાલ તેમજ કેસરીમલ વેલીયા મીણા છોડાવવા વચ્ચે પડ્યા હતા. જેમાં શેરૂસીંગે લોખંડની એંગલ માથામાં મારતાં કેસરીમલનું મોત થયું હતું. જે અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં શેરૂસીંગ ઠાકુર (ચૌહાણ) વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી.
આ કેસ મહેસાણા સ્પે. એટ્રોસીટી કોર્ટનાં જજ એમ.ડી. પાંડે સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ હસુમતીબેન એચ. મોદીએ દલીલો કરી હતી. 20 દસ્તાવેજી પુરાવા અને 27 માંથી 22 સાક્ષી તપાસ્યા હતા. દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની તથા દલીલો અને સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટનાં જજમેન્ટ રજૂ કરતાં આ તમામ પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી શેરૂસીંગ મતોલાસીંગ ઠાકુર (ચૌહાણ)ને ઇપીકો કલમ 302માં આજીવન કેદની સજા તથા રૂ.5000 દંડ, કલમ 325માં ત્રણ વર્ષની સજા અને રૂ.1000 દંડ, કલમ 323માં ત્રણ માસની સજા અને રૂ.200 દંડ, કલમ 504માં એક વર્ષની સજા અને રૂ.500 દંડ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.