મહેસાણામાં બે વર્ષ પહેલાં 13 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં અહીંની પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.55 હજાર દંડ ફટકાર્યો હતો. આ સાથે ભોગ બનનાર સગીરાને રૂ.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ પણ કર્યો છે.
પાટણના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામના અને મહેસાણાના રામોસણાની વૃંદાવન સોસાયટીમાં રહેતા કીર્તિજી છગનજી ઠાકોરે 13 વર્ષ અને 7 માસની સગીરાને 13 ફેબ્રુઆરી 2020ના રોજ લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો અને જુદી જુદી જગ્યાએ ફેરવી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ બનાવ અંગે સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ મહેસાણામાં સ્પે. પોક્સો જજ એ. એલ. વ્યાસની કોર્ટમાં ચાલી જતાં આરોપી કીર્તિ ઠાકોરને કલમ 376(ક)માં 20 વર્ષની સખત કેદ અને રૂ.40 હજાર દંડ, ઇપીકો કલમ 366માં 5 વર્ષની સખત કેદ અને રૂ.5000 દંડ, પોક્સો કલમ 4માં 7 વર્ષની સખત કેદ અને રૂ.5000 દંડ, પોક્સો કલમ 6માં 10 વર્ષની સખત કેદ અને રૂ.5000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં દસ્તાવેજી પુરાવા તેમજ 14 સાહેદોને કોર્ટ સમક્ષ તપાસ્યા હતા. કોર્ટે ભોગ બનનાર અને સાહેદોની જુબાનીને માની છે. સરકારી વકીલની દલીલો કોર્ટે ધ્યાને લીધી છે. સજાની સુનાવણીમાં સરકારી વકીલ રેખાબેન જોશીએ કોર્ટને કહ્યું કે, સુસંસ્કૃત અને સભ્ય સમાજમાં સગીર વયની દીકરીઓની સાથે દુષ્કૃર્મના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોઇ હાલના આરોપીએ સમાજને લાંછન લાગે તેવું કૃત્ય કરેલું હોઇ તેને કાયદાની જોગવાઇ મુજબ મહત્તમ સજા કરવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.