તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:લીવ-ઇનમાં રહેતી મહિલાને કડી કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કરનારા આરોપીને 7 વર્ષની કેદ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણાની સ્પે. એટ્રોસીટી કોર્ટનો ચુકાદો, આરોપીને 10 હજારનો દંડ પણ ફટકાર્યો
  • ભાટસરના વતની અને અમદાવાદમાં રહેતા શખ્સે નડિયાદની મહિલાને કેનાલમાં ફેંકી હતી

નડિયાદમાં લીવ ઈન રીલેશનશીપમાં રહી મહિલાનો કાંટો કાઢી નાખવા માટે કડીના અચરાસણ પાસે નર્મદા કેનાલમાં ફેંકી મારી નાખવાના પ્રયાસ મામલે મહેસાણાની સ્પે. એટ્રોસીટી કોર્ટે મૂળ પાટણના ભાટસર ગામના અને અમદાવાદમાં રહેતા આરોપીને 7 વર્ષની સખત કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે.

ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના અને હાલ અમદાવાદમાં રહેતા ઈશ્વરભાઈ ઉર્ફે દિનેશભાઈ જીવણભાઈ દેસાઈ નડિયાદમાં ધીરધારનો ધંધો કરતા હતા. જ્યારે નડિયાદના કોકીલાબેન અલ્લુભાઈ રાઠવાના પતિ 10 વર્ષથી ચાલ્યા ગયા હોવાથી બે બાળકો સાથે એકલા રહેતા હતા. તેવામાં ઈશ્વરભાઈને કોકીલાબેન સાથે પરિચય થતાં આઠ વર્ષ સુધી પતિ-પત્નીની જેમ રહેતા હતા. કોકીલાબેન રાઠવાએ તેમના મકાનનું રૂ.15 લાખમાં વેચાણ કરતાં રૂ.7.50 લાખના વાહનો ખરીદ કર્યા હતા. બાકીના રૂ.7.50 લાખ ઈશ્વરભાઈને રાખવા આપ્યા હતા.

પૈસાની જરૂર પડતાં કોકીલાબેને પૈસા માગ્યા હતા. તેથી સુરતથી તેમના વેવાઈ પૈસા મોકલવાના હોવાનું બહાનું બતાવીને પૈસા લેવા માટે બંને ઝુંડાલ પાસે ફાર્મમાં રોકાયા હતા. વહેલી સવારે કોકીલાબેનને કડીના અચરાસણ પાસેની નર્મદા કેનાલના બ્રિજ ઉપર લઈ જઈ તું આદિવાસી છે, મારે તારી સાથે સંબંધ રાખવો નથી કે તને તારા પૈસા પણ આપવા નથી તેમ કહી કોકીલાબેનને ઈશ્વર દેસાઈએ કેનાલમાં ફેંકી દીધી હતી. પરંતુ કોકીલાબેનને તરતાં આવડતું હોવાથી તેમણે કિનારે આવી બચાવવા બૂમો પાડતાં ટ્રેકટર ચાલકે દોરડાથી તેમને બચાવી લીધા હતા. આ ઘટના અંગે કડી પોલીસે ઈશ્વર દેસાઈ સામે ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં ચાર્જસીટ કર્યું હતું.

દરમિયાન, આ કેસ મહેસાણા સ્પે. એટ્રોસીટી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અશોકભાઈ એસ. મકવાણાની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એ.એલ. વ્યાસે કલમ 307 હેઠળ 7 વર્ષ સખત કેદ અને રૂ.10 હજારનો દંડ તેમજ એટ્રોસીટીની કલમ હેઠળ 3 વર્ષ સખત કેદ અને રૂ.5 હજાર દંડ ફટકારતી સજા સંભળાવી હતી. આ કેસમાં સરકારી વકીલે કેનાલમાંથી બહાર કાઢનાર, મહિલાને દીકરા પાસે મૂકવા જનાર અને કડી રેફરલ હોસ્પિટલના તબીબને સાક્ષી તરીકે તપાસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...