તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી ફરાર:મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી મારામારીનો આરોપી ફરાર

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીને સિવિલના ટ્રોમા સેન્ટરમાં લવાયો હતો. - Divya Bhaskar
આરોપીને સિવિલના ટ્રોમા સેન્ટરમાં લવાયો હતો.
  • વિજાપુર સબજેલમાં આરોપીને પેટમાં દુ:ખાવો ઉપડતાં મહેસાણા લવાયો હતો
  • જાપ્તા કર્મી આઘોપાછો થતાં આરોપી નજર ચૂકવી છૂ થતાં દોડધામ

મહેસાણા સિવિલ હોસ્પિટલના પોલીસ જાપ્તામાંથી શનિવારે સાંજે મારામારીનો આરોપી ફરાર થઈ જતાં દોડધામ મચી ગઇ છે. વિજાપુર સબજેલમાં આરોપીને પેટમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે અહીં સિવિલમાં લવાયો હતો.

વિજાપુર તાલુકાના દોલતપુરા (ડાભલા) ગામના જીવણજી જીવરાજી ઠાકોરને મારામારીના કેસમાં વિજાપુર સબજેલમાં રાખવામાં આવ્યો હતો. સબજેલમાં તેને શનિવારે એકાએક પેટમાં દુ:ખાવો ઉપડતાં વિજાપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. અહીં તબીબે તેનો લોહીનો રિપોર્ટ કરાવી સોનોગ્રાફી કરાવી સારવાર શરૂ કરી હતી. આરોપીને પોલીસ જાપ્તામાં રાખી વિજાપુર સબજેલના એક કર્મચારીને બંદોબસ્તમાં રખાયો હતો.

જાપ્તામાં રહેલો કર્મચારી કોઈ કારણસર બહાર નીકળતાં તેનો લાભ લઈ નજર ચૂકવીને સાંજે 7-45 વાગે ફરાર થઈ ગયો હતો. જાપ્તામાં રહેલા કર્મચારીએ આરોપી નહીં દેખાતાં શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલના સીસીટીવી ચેક કરી આરોપી કઈ તરફ ભાગ્યો છે તે બાબતે પણ તપાસ કરાઇ હતી. પરંતુ, કોઈ ભાળ નહીં મળતાં છેવટે સિવિલ હોસ્પિટલના પોલીસ સ્ટાફને જાણ કરાઈ હતી, જેને પગલે તેને શોધવા પોલીસ દોડતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...