એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત:મહેસાણાના કાંસા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકસવાર દંપતી અને પુત્રનાં ઘટનાસ્થળે જ મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • વીસનગરથી વાલમ પરત ફરતી વખતે અકસ્માત નડ્યો

મહેસાણાના વીસનગર તાલુકામાં આજે સાંજે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતક પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી હોવાનું અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

વીસનગર-ઊંઝા હાઇવે પર આવેલા કાંસા ગામ નજીક આજે સાંજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ભોગ બનનાર દાહોદ જિલ્લાના ગુગસ ગામના રહેવાસી હોવાનુ અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણ વ્યકિતના મોત નિપજ્યા છે તેમાં સવાભાઈ હકલાભાઈ પારઘી, તેના પત્ની લાલીબેન પારઘી અને પુત્ર રાજેશ પારઘીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકો વિસનગરથી વાલમ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

શ્રમજીવી પરિવારના એક સાથે ત્રણ લોકોના મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...