ભારત સરકાર દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ ઓનલાઇન લીંક કરવા નિ:શુલ્ક વ્યવસ્થા કરાઇ ત્યારે ઊંઘતા રહેલા અધિકાંશ લોકો હવે રૂ.1000 ચાર્જ ભરીને લીંક કરાવવા દોડાદોડ કરી રહ્યા છે. એમાંય જાણકારીના અભાવે અટવાતા ઘણા લોકો એજન્ટનો આશરો લેતાં એજન્ટો પણ લીંક કરી આપવાના રૂ.200 થી 500 વસૂલી રહ્યા હોવાની રાવ ઉઠી છે.
કરદાતાઓમાં લીંક કરી આપવા નિ:શુલ્ક હેલ્પ સેન્ટરની વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણા ઇન્કમટેક્ષ ઓફિસના હેલ્પ સેન્ટરમાં જતાં લોકોને માર્ગદર્શન અપાઇ રહ્યું છે. અહીં પણ માર્ગદર્શન માટે લોકોની ઇન્કવાયરી વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક ન હોય તેવા લોકો 31 માર્ચ સુધીમાં રૂ.1000 ચાર્જ ભરીને લીંક કરાવી શકે છે. જેમાં ચાર્જ જમાની રિસીપ્ટ ડાઉનલોડ કરી શકાય છે, પરંતુ ઘણાને આ ફી ભર્યા પછી આધારકાર્ડ અને પાનકાર્ડમાં એકસરખુ નામ નહીં હોવાના કારણે લીંકેજ થતું નથી. આથી બંને ડોક્યુમેન્ટમાં એકસરખા નામ, અટક ક્રમ મુજબ કરાવવા કોઇપણ એક ડોક્યુમેન્ટમાં સુધારો કરાવવો પડી રહ્યો છે.
જેનાથી કંટાળીને ઘણા લોકો ડોક્યુમેન્ટ સુધારા માટેની કવાયત કરી ખાનગી એજન્ટની મદદ લઇ લીંક કરાવી રહ્યા છે. જેમાં ખાનગી એજન્ટ આ કામગીરીમાં રૂ.200 થી 500 ચાર્જ લે છે. મહેસાણાના જાગૃત નાગરિક અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, દરેક શહેર અને ગ્રામ પંચાયતમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરી આપવાની વ્યવસ્થા કરવી જોઇએ, જેથી કોઇને તકલીફ ન પડે. દરેકને ઓનલાઇન પદ્ધતિની જાણકારી ન હોય એટલે ખાનગી એજન્ટ પાસે જતાં તે રૂ.200 થી 500 માગે છે. જે લોકોએ નાછુટકે આપવા પડી રહ્યા છે.
આઇટી હેલ્પ ડેસ્કમાં રોજ આધાર-પાન મીસલીંકના 8-10 કેસ આવે છે
મહેસાણામાં મોઢેરા ચોકડી નજીક એપોલો એન્કલેવમાં આવેલી ઇન્કમટેક્ષ કચેરીના હેલ્પ ડેસ્કના સૂત્રોએ કહ્યું કે, આધાર અને પાનકાર્ડ લીંક કરવામાં કેટલાકને આધારકાર્ડ તેમનું હોય અને પાનકાર્ડ અન્યનું લીંક થઇ ગયું હોય કે પાનકાર્ડ તેમનું હોય અને આધારકાર્ડ અન્યનું લીંક થઇ ગયું હોય તેવા મીસમેચના રોજ સરેરાશ 8 થી 10 અરજદારો આવી રહ્યા છે.
જે પ્રોસેસ કચેરીથી જ થતી હોઇ અહીંથી ચોક્કસ ફોર્મેટમાં પ્રોસેસ કરી આપ્યા પછી તેમના મીસમેચ લીંક થયેલા આધાર- પાનની લીંક પ્રોસેસના અંતે ડિલિટ થાય છે. જ્યારે જેમના આધાર અને પાનકાર્ડ લીંક નથી જે તેમની વ્યક્તિગત બાબત હોઇ તેમણે જ લીંક કરવાનું હોય છે. સંમતી દર્શાવે તો કરી અપાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.