પાટણમાં રહેતા અને તાલુકાના કણી ગામના વતની ડિંકલ પટેલ નામના યુવાને સ્ટેમ સેલ દાન કરી આયર્લેન્ડના 13 વર્ષના બ્લડ કેન્સર પીડિત બાળકને નવજીવન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, એમએસસી આઇટીના અભ્યાસ બાદ હાલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા ડિંકલ પટેલે ક્યારેય રક્તદાન કરેલું નથી. પરંતુ 13 વર્ષના બાળકની જિંદગી બચાવવા વિના સંકોચે સ્ટેમ સેલ દાન કરવા તૈયાર થઇ ગયા હતા.
તેમણે કહ્યું કે, મારા માટે ખુશી અને ગર્વની વાત એ છે કે મારા દ્વારા દાન કરાયેલા રક્તકણોથી એક 13 વર્ષના બાળકનો જીવ બચશે. દરેક લોકોએ સ્ટેમ સેલ ડોનેશન કરવું જોઈએ, આ સરળ પ્રક્રિયા છે. રક્તકણોનું દાન બિલકુલ રક્તદાન જેવું જ હતું. આજથી 10 વર્ષ અગાઉ જાન્યુઆરી 2013માં પાટણમાં નિરમા પરિવાર દ્વારા યોજાયેલા કેમ્પમાં ડિંકલકુમાર ડાહ્યાભાઇ પટેલે સ્ટેમ સેલ માટે લાળનું સેમ્પલ આપ્યું હતું.
જાન્યુઆરી 2023માં જ્યારે તેમને દાત્રી નામની સંસ્થામાંથી ફોન આવ્યો કે તમારા રક્તકણો એક 13 વર્ષના બ્લડ કેન્સર પીડિત બાળક સાથે મેચ થઇ રહ્યા છે, તો તેમણે દાન માટે તૈયારી દર્શાવી અને તે માટે તેમના પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો હતો.તાજેતરમાં તેમણે રક્તકણોનું દાન કર્યું, તેમનો ઉત્સાહ વધારવા મિત્ર વિશ્વજીત બિઝનેસમાંથી એક દિવસ સમય કાઢીને સાથે રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, 18 થી 50 વર્ષ વચ્ચેની કોઈપણ સ્વસ્થ વ્યક્તિ બ્લડ સ્ટેમ સેલ ડોનર તરીકે નોંધણી કરાવી શકે છે.
બે વર્ષ અગાઉ પાટણની મહિલાએ કેનેડાની યુવતીને સ્ટેમ સેલનું દાન કર્યું હતું
પાટણના અઘાર ગામનાં 42 વર્ષીય દક્ષાબેન પટેલે પણ આજથી 10 વર્ષ અગાઉ 2013માં નિરમા પરિવાર આયોજિત કેમ્પમાં સ્ટેમ સેલ માટે લાળનું સેમ્પલ આપ્યું હતું. તેમના સ્ટેમ સેલ કેનેડાની 32 વર્ષીય યુવતી સાથે મેચ થતાં તેમણે 2 વર્ષ અગાઉ અમદાવાદ જઇ સ્ટેમ સેલનું દાન કરી લોહીની જીવલેણ બીમારીથી પીડિત વિદેશી મહિલાને નવજીવન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.