ફરવા જવું ભારે પડ્યું:મહિલા મિત્ર સાથે આબુ ફરવા જઈ રહેલા ગાંધીનગરના યુવકને મહેસાણામાં અજાણ્યા શખ્સોએ કાર સાથે લૂંટી લીધો

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3.25 લાખના સોનાના દાગીના અને 3 લાખની કાર મળી કુલ 6.25 લાખની લૂંટ ચલાવી બે શખ્સ ફરાર

ગાંધીનગરથી કારમાં પોતાની મહિલા મિત્રને લઇ માઉન્ટ આબુ ફરવા નીકળેલા યુવાનને મહેસાણા ઉંઝા માર્ગ ઉપર લૂંટી લેવામાં આવ્યો હતો. હાઈવે પર ભેટી ગયેલા મહિલાના કથિત પતિ અને તેના અન્ય એક સાગરીતે કારમાલિક યુવકને ફટકારીને સોનાના ઘરેણા અને કારની લૂંટ ચલાવી હતી. યુવકની મહિલા મિત્રના પતિ બની આવેલા શખ્સ અને તેના સાગરીતે રૂપિયા 6 લાખથી વધુનો માલ પડાવી લેતા ગાંધીનગરનો કારમાલિક સ્મિત પટેલ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ દિશામાં તપાસ આદરી છે.

મહેસાણા તાલુકા પોલીસ મથકના સૂત્રોએ ફરિયાદને ટાંકીને આપેલી વિગતો મુજબ ગાંધીનગરના સેક્ટર 7માં રહેતો સ્મિત પટેલ પોતાની માલિકીની કારને વર્ધીમાં ફેરવી ટ્રાવેલિંગનો વ્યવસાય કરે છે. જેને ગત તા. 04 મેના અડાલજના કસ્તુરી નગરમાં રહેત તેની મહિલા મિત્રનો ફોન આવ્યો હતો અને તેણે સ્મિતને પોતાને માઉન્ટ આબુ ફરવા જવું છે તું ગાડી લઈને આવી જાય તેમ કહી 2500 રૂપિયાનું ભાડું નક્કી કર્યું હતું.

જેથી સ્મિત પોતાની કાર લઇ મહિલાને તેમાં બેસાડી છત્રાલ કલોલ થઈ મહેસાણાથી માઉન્ટ આબુ જવા રવાના થયો હતો. મહેસાણા ઉંઝા હાઇવે પર આવતા બ્લીસ વોટર પાર્ક નજીક મહિલાએ કાર થોભાવી પોતાને ફ્રેશ થવા જેવું છે તેમ કહી કારમાંથી ઉતરી બહાર નીકળી હતી. જ્યાં થોડી વારમાં જ બે યુવકો સ્મિત પાસે આવ્યા હતા અને ‘તું મારી પત્નીને લઈને કેમ ફરે છે?’ તેમ કહી કાર માલિક સ્મિત સાથે બોલાચાલી કરી મારઝૂડ કરી હતી.

કારમાલિક યુવક સાથે મારઝૂડ કરનારા મહિલાના કથિત પતિ અને અન્ય એક ઇસમે સ્મિતને કહ્યું હતું કે, તારા હાથમાં પહેરેલી સોનાની વીંટીઓ, ગળામાં પહેરેલી સોનાની ચેન તેમજ હાથના કાંડામાં પહરેલી સોનાની લકી આપી દે. જોકે, આ અંગે સ્મિતે આનાકાની કરતા તેને ગડદાપાટુનો મારમારી ત્રણ વિંટી, સોનાની લકી, ચેઈન બળજબરીપૂર્વક લૂંટી લીધા હતા. જે બાદ બંને અજાણ્યા શખ્સોએ સ્મિત અને મહિલાને કારમાં બેસાડી મહેસાણા લઈ ગયા હતા જ્યાં બંનેને રાધનપુર સર્કલે ઉતારી સ્મિતની કારને પડાવી લઇ પાલનપુર તરફ ભાગી છૂટયા હતા.જોકે, મહેસાણાથી સ્મિત અને તેની મહિલા મિત્ર ખાનગી વાહનમાં પરત પોત પોતાના ઘરે પહોંચ્યા હતા.

અડાલજથી માઉન્ટ આબુ જવા નીકળેલા કારમાલિક સ્મિત પટેલને મહેસાણા પાસે અજાણ્યા બે શખ્સોએ લૂંટી લીધાની ઘટના બન્યા બાદ મહેસાણાથી ખાનગી વાહનમાં ઘરે પહોંચેલા સ્મિત પટેલે બનાવ અંગે તેની માતાને વાકેફ કર્યા હતાં. જેથી ભોગ બનનાર તેમની માતા કોકિલા બહેન સાથે તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો અને બનાવ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.

આટલી કિંમતના દાગીના સાથેનો મુદ્દામાલની લૂંટ

આશરે દોઢ તોલાની 3 નંગ વીંટી કિં. : 75,000આશરે અઢી તોલાની લકી કિ. : 1,25,000આશરે અઢી તોલાની ચેન કિ. : 1,25,000સ્વીફ્ટ કાર કિ. :3,00,000 મળી કુલ કિંમત રૂપિયા 6,25,000ના મુદ્દામાલની લૂંટ કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે

અન્ય સમાચારો પણ છે...